તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 20th September 2026
બંગાળના કારીગરો ૨૦ લાખનું સોનું લઈને ફરાર: માધુપુરામાં વેપારી સાથે ઠગાઈ
વેપારીએ ૧૨ સપ્ટેમ્બરે પશ્ચિમ બંગાળના સાબિરઅલી શેખ અને આરફીનલી શેખને નોકરીએ રાખ્યા હતા

અમદાવાદ :અમદાવાદના માધુપુરા માર્કેટમાં વેપારીએ નોકરી પર રાખેલા કારીગરો માત્ર ૪ દિવસમાં ૨૦ લાખ રૃપિયાનું સોનું લઈને ફરાર થઈ ગયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. શાહીબાગમાં રહેતા વેપારી વિવેક નાગોરીએ પશ્ચિમ બંગાળના બે કારીગરો, સાબિરઅલી શેખ અને આરફીનલી શેખને ૧૨મી સપ્ટેમ્બરના રોજ પોતાની દુકાનમાં કાચા સોનામાંથી દાગીના બનાવવા માટે કામ પર રાખ્યા હતા. આ બંને કારીગરો રાત્રિના સમયે દુકાનના બીજા માળે જ રહેતા હતા, પરંતુ ૧૬ સપ્ટેમ્બરના રોજ તેઓએ પોતાના જ શેઠનો વિશ્વાસ તોડીને લાખો રૃપિયાના સોનાની ચોરી કરી હતી.
મળતી માહિતી અનુસાર, ૧૬મી સપ્ટેમ્બરે વેપારીએ બંને કારીગરોને જોબવર્ક માટે ૨૭૦ ગ્રામ કાચું સોનું આપ્યું હતું. તે જ દિવસે રાત્રે કારીગરોએ અડધા તૈયાર થયેલા દાગીનો એક ડબ્બામાં મૂકીને વેપારીને પરત કર્યો હતો. જ્યારે વેપારીએ સોનાનું વજન અને તપાસ કરી રહ્યા હતા, ત્યારે આ બંનેએ તેની સાથે વાતો કરવાનું શરૃ કરી દીધું હતું. વાતોમાં ઉલઝાવી દેવાના કારણે વેપારી સોનાની યોગ્ય રીતે તપાસ કરી શક્યા ન હતા અને તેણે તે ડબ્બો સીધો લોકરમાં મૂકી દીધો હતો. ત્યારબાદ તેઓ દુકાન બંધ કરીને ઘરે જવા નીકળી ગયા હતા.
બીજા દિવસે સવારે જ્યારે વેપારીએ દુકાને પહોંચ્યા ત્યારે બંને કારીગરો ગેરહાજર હતા. તપાસ કરતા આરફીન મળી આવ્યો હતો, પરંતુ તે પણ નાહવા જવાનું બહાનું કાઢીને ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો. લાંબા સમય સુધી તે પરત ન આવતા અને બંનેના ફોન સ્વીચ ઓફ આવતા વેપારીને શંકા ગઈ હતી. તેણે તાત્કાલિક પોતાનું લોકર ખોલીને તપાસ કરી તો તેમાંથી ૨૦ લાખ રૃપિયાની કિંમતનું આશરે ૧૫૦ ગ્રામ સોનું ગાયબ હતું. દુકાનના સીસીટીવી કેમેરા ચેક કરતા સાબીરઅલી સોનાની ચોરી કરતો સ્પષ્ટ જોવા મળ્યો હતો, જેના આધારે વેપારીએ માધવપુરા પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે.
(9:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
