<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

ધો-૯થી ૧૨ના વિદ્યાર્થીઓના માનસિક સ્‍વાસ્‍થ્‍ય માટે શાળાઓમાં વ્‍યવસ્‍થા થશે

શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓના કલ્‍યાણ, આત્‍મહત્‍યા નિવારણ અંગે ઠરાવ બહાર પાડ્‍યોઃ જે સ્‍કૂલોમાં ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ હોય ત્‍યાં કાઉન્‍સેલરની ફરજિયાત નિમણૂક કરવા માટે પણ નિર્ણય લેવાયો : શાળાઓમાં હવે વિદ્યાર્થીઓના માત્ર માર્કસ જ નહીં, પરંતુ મનની તંદુરસ્‍તીને પણ મહત્ત્વ અપાશે - રાજ્‍યની ધોરણ- ૯થી ૧૨ની તમામ શાળાઓ માટે માનસિક સ્‍વાસ્‍થ્‍યનો નવો નિયમ લાગુ કરવામાં આવ્‍યો

અમદાવાદ તા.૨: શિક્ષણ વિભાગ દ્વારા રાજ્‍યની તમામ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક એટલે કે ધોરણ-૯થી ૧૨ની શાળાઓમાં વિદ્યાર્થીઓના માનસિક સ્‍વાસ્‍થ્‍ય કલ્‍યાણ અને આત્‍મહત્‍યા નિવારણ માટે ખાસ વ્‍યવસ્‍થા ઉભી કરવી ફરજિયાત બનાવવાનો નિર્ણય કર્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે કરાયેલા ઠરાવ અનુસાર હવે વિદ્યાર્થીઓના માર્કસ જ નહીં, પરંતુ મનની તંદુરસ્‍તીને પણ મહત્‍વ આપવામાં આવશે. શાળાઓ માટે માનસિક સ્‍વાસ્‍થ્‍યનો નવો નિયમ લાગુ કરવામાં આવ્‍યો છે. જેના ભાગરૂપે દરેક સ્‍કૂલોમાં સ્‍કુલ વેલનેસ ટીમ બનાવવામાં આવશે. ઉપરાંત, ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ હોય ત્‍યાં કાઉન્‍સેલર ફરજિયાત કરવામાં આવ્‍યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પરીક્ષાઓમાં વધતી જતી સ્‍પર્ધા વચ્‍ચે, વિદ્યાર્થીઓનું માનસિક સ્‍વાસ્‍થ્‍ય ગંભીર ચિંતાનો વિષય બની રહ્યું છે. પરીક્ષાઓની તૈયારી, ઉચ્‍ચ ગુણ મેળવવાની સ્‍પર્ધા, સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ, સામાજિક-આર્થિક પરિસ્‍થિતિઓ, ભવિષ્‍યની ચિંતા અને પરિવારની અપેક્ષાઓને કારણે ઘણા વિદ્યાર્થીઓ માનસિક તણાવ, પ્રદર્શન સંબંધિત ચિંતા, આત્‍મવિશ્વાસનો અભાવ અને હતાશા જેવા લક્ષણોનો સામનો કરી રહ્યા છે. જેના અનુસંધાને રાજ્‍યના શિક્ષણ વિભાગ દ્વારા મજબૂત પગલાં લેવામાં આવ્‍યા છે. રાજ્‍યના શિક્ષણ વિભાગે ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ વિનિયમો, ૧૯૭૪માં નવી જોગવાઈ તરીકે વિનિયમ-૧૬(અ) ઉમેર્યો છે. આ સાથે પરિશિષ્ટ-૮માં વિદ્યાર્થિયોંના માનસિક સ્‍વાસ્‍થ્‍ય કલ્‍યાણ તથા આત્‍મહત્‍યા નિવારણ માટે વિગતવાર વ્‍યવસ્‍થા નક્કી કરવામાં આવી છે. આ જોગવાઈ ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ સાથે સંલગ્ન ધોરણ ૯-૧૦ની માધ્‍યમિક તથા ધોરણ ૧૧-૧૨ની ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓને લાગુ પડશે.

સુપ્રીમ કોર્ટના એક ચુકાદામાં તમામ શૈક્ષણિક સંસ્‍થાઓ માટે જાહેર કરવામાં આવેલી વિદ્યાર્થીઓના માનસિક સ્‍વાસ્‍થ્‍ય અને આત્‍મહત્‍યા નિવારણ અંગેની ૧૫ બંધનકર્તા માર્ગદર્શિકાઓ તથા ચાર નિર્દેશોને અનુલક્ષીને આ નિર્ણય લેવામાં આવ્‍યો છે. વિદ્યાર્થીઓ તણાવમુક્‍ત વાતાવરણમાં અભ્‍યાસ કરી શકે તે માટે નિયમિત કાઉન્‍સેલિંગ, જાગૃતિ કાર્યક્રમો અને સમયસર માનસિક સ્‍વાસ્‍થ્‍ય, સુરક્ષા અને તણાવમુક્‍ત વાતાવરણનું નિર્માણ કરવા પરિશિષ્ટ-૮ માં દર્શાવેલ જોગવાઈઓ અંતર્ગત નિયત કાર્યવાહી કરવાની રહેશે.

જેથી માનસિક તણાવમાં રહેતા અને આત્‍મહત્‍યા જેવા નકારાત્‍મક વિચારો ધરાવતા વિદ્યાર્થીઓની વહેલી ઓળખ કરી, તેમને ત્‍વરિત અને સંવેદનશીલ સંસ્‍થાકીય મદદ પૂરી પાડી શકાય. નવી વ્‍યવસ્‍થા મુજબ ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડમાં રજિસ્‍ટર્ડ થયેલી ધોરણ-૯થી ૧૨ની દરેક શાળામાં ફરજિયાત સ્‍કૂલ વેલનેસ ટીમ(SWT)ની રચના કરવાની રહેશે.

UMMEED ગાઇડલાઇનના અનુસંધાને શાળા કક્ષાએ ‘પીઅર સપોર્ટ' ની અસરકારક વ્‍યવસ્‍થા પ્રસ્‍થાપિત કરવા અર્થે ‘મનો-મિત્ર' ની નિયુક્‍તિ કરવાની રહેશે. મનો-મિત્ર વિદ્યાર્થીઓને પ્રાથમિક સ્‍તરે ભાવનાત્‍મક સહયોગ પૂરો પાડશે, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને યોગ્‍ય માર્ગદર્શન તેમજ ઉપચારાત્‍મક પગલાં તરફ દોરી જશે તેમજ સહપાઠીઓ વચ્‍ચે સૌહાર્દપૂર્ણ સંબંધો અને પરસ્‍પર સહકારની ભાવના સુલ્લઢ કરશે.

શાળાના તમામ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓએ વર્ષમાં ઓછામાં ઓછા બે વખત પ્રમાણિત માનસિક સ્‍વાસ્‍થ્‍ય વ્‍યાવસાયિકો પાસેથી તાલીમ ફરજિયાત લેવાની રહેશે. શાળાએ સાઇકોલોજિકલ ફર્સ્‍ટ એઇડ, વોર્નિંગ સાઇન્‍સની ઓળખ, સેલ્‍ફ-હાર્મ (સ્‍વ-ક્ષતિ) સામે પ્રતિસાદ અને રેફરલ મેકેનિઝમ વગેરે વ્‍યવસ્‍થા ઉપલબ્‍ધ રાખવાની રહેશે. કોઈ વિદ્યાર્થી દ્વારા આત્‍મહાનિ, આત્‍મહત્‍યાના વિચારો, ગંભીર માનસિક તાણ અથવા અન્‍ય કોઈ જોખમી વર્તણૂક સંબંધી એક પણ ચેતવણીરૂપ સંકેત પ્રદર્શિત કરવામાં આવે, તો તેને અત્‍યંત ગંભીરતાથી લઈ તાત્‍કાલિક ધોરણે જરૂરી કાર્યવાહી કરવી અનિવાર્ય રહેશે. આત્‍મહાનિનો પ્રયાસ થયાની સ્‍થિતિમાં વિદ્યાર્થીને કોઈ પણ સંજોગોમાં એકલો ન છોડવાની અને જરૂરિયાત મુજબ તાત્‍કાલિક તબીબી અથવા આપાતકાલીન સેવાઓની યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવાની રહેશે. ઘટનાની માહિતીનું સંચારણ તથ્‍યાધારિત અને જવાબદારીપૂર્વક કરવાનું રહેશે. મીડિયા સાથેનો સંપર્ક માત્ર આચાર્ય અથવા અધિકૃત અધિકારી મારફતે જ કરવાનો રહેશે અને ઘટનાની પદ્ધતિ, સ્‍થળ, ફોટોગ્રાફસ અથવા વ્‍યક્‍તિગત સંવેદનશીલ વિગતો જાહેર કરી શકાશે નહીં.

આ ઉપરાંત, જાતીય સતામણી, રેગિંગ, બુલિંગ, સાયબર બુલિંગ તેમજ જાતિ, વર્ગ, લિંગ, ધર્મ, ભાષા, સામાજિક-આર્થિક સ્‍થિતિ અથવા દિવ્‍યાંગતા સહિતના કોઈપણ આધાર પર થતા ભેદભાવ કે હેરાનગતિ સામે મજબૂત, ગોપનીય અને સુલભ ફરિયાદ નિવારણ વ્‍યવસ્‍થા કરવી ફરજિયાત રહેશે. શાળાએ સમયબદ્ધ અને નિષ્‍પક્ષ તપાસ સુનિヘતિ કરવાની રહેશે. જો શાળાને જોખમી પરિસ્‍થિતિઓની જાણ હોવા છતાં અથવા જાણ હોવી જોઈએ તેવી પરિસ્‍થિતિ હોવા છતાં, સમયસર અને યોગ્‍ય કાર્યવાહી કરવામાં નિષ્‍ફળતા જણાય, અને તે નિષ્‍ફળતા વિદ્યાર્થીને થયેલ ગંભીર નુકસાન, આત્‍મહાનિ અથવા આત્‍મહત્‍યાની ઘટનામાં નોંધપાત્ર પરિબળ સાબિત થાય, તો તેને ‘સંસ્‍થાકીય દોષ' ગણવામાં આવશે અને સંબંધિત શાળા અથવા જવાબદાર અધિકારીઓ સામે કાયદા અને નિયમો મુજબ શિક્ષાત્‍મક કે કાનૂની કાર્યવાહી હાથ ધરી શકાશે.

(1:26 PM IST)