તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Tuesday, 14th April 2026
નવસારીમાં કોંગ્રેસના 35 જેટલા ઉમેદવારને અજ્ઞાત સ્થળે લઈ જવાયા : પક્ષપલટો રોકવા કોંગ્રેસની રણનીતિ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નગરપાલિકા અને પંચાયતના ઉમેદવારોને સુરક્ષિત સ્થળે ખસેડાયા : તોડફોડ અને દબાણની આશંકાએ પક્ષે લીધું પગલું : ભાજપ પર લગાવ્યો ખરીદનો આરોપ

નવસારી તા.૧૪ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે નવસારીમાં મોટા રાજકીય ડ્રામાની ઘટના સામે આવી છે. કોંગ્રેસે પોતાના 35 જેટલા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જઈને રાખ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. નગરપાલિકા અને પંચાયતની ચૂંટણી માટે મેદાનમાં ઉતરેલા આ ઉમેદવારોને પક્ષપલટો કરાવવા અથવા ઉમેદવારી પાછી ખેંચાવવા માટે થઈ રહેલી કથિત સોદાબાજી અને દબાણથી બચાવવા માટે કોંગ્રેસે આ પગલું ભર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ઉમેદવારીપત્રો ભરાયા બાદથી જ કેટલાક ઉમેદવારો પર પક્ષ બદલવા અથવા ચૂંટણી ન લડવા માટે દબાણ વધી ગયું હતું. નવસારી જિલ્લામાં ભાજપનો દબદબો હોવાથી અને લોકસભામાં સીઆર પાટીલ જેવા દિગ્ગજ નેતાની હાજરીને કારણે કોંગ્રેસને પોતાના ઉમેદવારો તૂટી જવાની ભીતિ હતી. આ સ્થિતિમાં પક્ષે તમામ ઉમેદવારોને એકઠા કરીને સુરક્ષિત સ્થળે ખસેડી દીધા છે.
કોંગ્રેસના સ્થાનિક આગેવાનોએ આક્ષેપ લગાવ્યો છે કે ભાજપ દ્વારા ખરીદ-ફરોખ્ત અને ધાકધમકીની રાજનીતિ કરવામાં આવી રહી છે. ઉમેદવારોને ફોન કરીને લાલચો આપવામાં આવી રહી હતી અને ન માને તો પરિણામ ભોગવવાની ધમકી આપવામાં આવી રહી હતી. આથી પક્ષે ઉમેદવારોની સુરક્ષા માટે અને પક્ષની એકતા જાળવી રાખવા માટે આ નિર્ણય લીધો છે.
અગાઉ સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના દરખાસ્તકારોના સહીમાં વિસંગતતા બહાર આવતા તેમનું ફોર્મ રદ થયું હતું અને બાદમાં કુંભાણી સહિત અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લેતા ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હતા. આ ઘટનાને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ આ વખતે કોઈ જોખમ લેવા માંગતી નથી.
જોકે, ભાજપના જિલ્લા પ્રમુખ ભૂરાભાઈ શાહે કોંગ્રેસના આરોપોને ફગાવી દેતા કહ્યું કે, "કોંગ્રેસ પોતાના ઘરનો મેળ પાડી શકતી નથી અને હારના ડરથી બહાના બનાવે છે. ભાજપનો વિજય નિશ્ચિત છે."
હાલ તમામ 35 ઉમેદવારો ક્યાં રાખવામાં આવ્યા છે તે અંગે કોંગ્રેસે કોઈ સત્તાવાર માહિતી આપી નથી. ચૂંટણીના દિવસ સુધી ઉમેદવારોને અજ્ઞાત સ્થળે જ રાખવામાં આવે તેવી શક્યતા છે.
(4:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
