<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th April 2026

વિપક્ષ દ્વારા માત્ર મત મેળવવા આપવામાં આવતા પ્રલોભનોમાં આવ્યા સિવાય વલસાડની જનતા વિકાસની આ યાત્રામાં અડીખમ રહીને ભાજપાને વિજયી બનાવશે: હર્ષભાઈ સંઘવી

કોંગ્રેસ અને તેના સાથી પક્ષોની ટોળકીએ બહેનોને સંસદમાં તેમનો અધિકાર મળતો અટકાવવાનું ઘોર પાપ કર્યું :વલસાડ જિલ્લાના સેગવા ખાતે તથા સુરત જિલ્લાના ચલથાણ ખાતે વિકાસ સંકલ્પ સભાને સંબોધિત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી

અમદાવાદ : ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વલસાડ જિલ્લાના સેગવા ખાતે તથા સુરત જિલ્લાના ચલથાણ ખાતે વિકાસ સંકલ્પ સભાને સંબોધન કર્યું હતું.આ પ્રસંગે હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, ભારે ગરમીમાં પણ ઉમટી પડેલી જનમેદની એ સાબિત કરે છે કે જનતા વિકાસને સમર્થન કરવા માટે કટિબદ્ધ છે. વિપક્ષ પણ મતદારોનો મિજાજ પારખી ગયો છે. વિપક્ષોને રાજ્યમાં પૂરતા ઉમેદવાર પણ નથી મળ્યા. ૭૨૦થી વધુ બેઠકો પર ભાજપે બિનહરીફ વિજય પ્રાપ્ત કરી ઇતિહાસ રચ્યો છે. ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડનાર લોકોનો હિસાબ ગુજરાતની જનતા જાતે કરશે.
   તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશની રાજનીતિમાં વહેલી તકે મહિલાઓની ભાગીદારી વધારવાના ઉમદા આશય સાથે નારીશક્તિ વંદન અધિનિયમ સંશોધન બિલ લાવ્યા હતાં. કોંગ્રેસ અને તેના સાથી પક્ષોની ટોળકીએ બહેનોને સંસદમાં તેમનો અધિકાર મળતો અટકાવવાનું ઘોર પાપ કર્યું છે. ગુજરાતની માતાઓ-બહેનો આ મહિલા વિરોધી લોકોને ઓળખી ગઈ છે.
 હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે, કોંગ્રેસના શાસનમાં ગામડાઓમાં પાણી સુદ્ધાં પહોંચતું નહોતું, જ્યારે મોદીજીએ ‘નળ સે જળ’ યોજના દ્વારા ઘરે-ઘરે પાણી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે. ખેડૂતોને કિસાન સન્માન નિધિ દ્વારા વર્ષે ૬ હજાર રૂપિયા સીધા ખાતામાં મળી રહ્યા છે. તેઓએ યુવાનો, મહિલાઓ સહિત સમાજના પ્રત્યેક વર્ગ માટે ભાજપા સરકારે કરેલા વિવિધ કાર્યો અંગે વિગતવાર જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, ભાજપા સરકાર નાગરીકોને વધુમાં વધુ સુવિધા આપી જીવનસ્તર સુધારવાના કામને સતત આગળ વધારી રહી છે. વિપક્ષ દ્વારા માત્ર મત મેળવવા માટે આપવામાં આવતા પ્રલોભનોમાં આવ્યા સિવાય કોંગ્રેસ ના પંજા અને અન્ય પક્ષનો સફાયો કરીને વલસાડની જનતા વિકાસની આ યાત્રામાં અડીખમ રહીને ભાજપાને વિજયી બનાવશે.
આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રીઓ કનુભાઇ દેસાઇ, નરેશભાઇ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌતમભાઈ ગેડીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ અરવિંદભાઇ પટેલ, પ્રદેશ મંત્રી સોનલબેન સોલંકી, પ્રદેશ સહ પ્રવકતા અને સાંસદ ધવલભાઇ પટેલ, વલસાડ જિલ્લા ભાજપા પ્રમુખ હેમંતભાઇ કંસારા, સુરત જિલ્લા ભાજપા પ્રમુખ ભરતભાઈ રાઠોડ, વલસાડ જિલ્લાના પ્રભારી વિનયભાઇ શુકલા, સુરત જિલ્લા પ્રભારી જિલ્લા સંગઠનના પદાધિકારીઓ, આગેવાનો, કાર્યકર્તાઓ અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતાં.

(8:53 PM IST)