<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

અમદાવાદના નારોલ વિસ્તારમાં અસામાજિક તત્વોએ જાહેરમાં આતંક મચાવ્યો

જૂની અદાવતમાં સંજય ઉર્ફે નાસીરની ટોળકીએ શમશાદ અન્સારીના ઘર પર પથ્થરમારો કરી મોટરસાયકલ સળગાવી :નારોલ પોલીસે અડધો ડઝન આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી.

અમદાવાદ :શહેરના નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વો ફરી એકવાર બેફામ બન્યા છે. નારોલના ગોસિયા પાર્ક ચાર રસ્તા પાસે જાહેરમાં આતંક મચાવીને વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જૂના ઝઘડાની અદાવત રાખીને આરોપીઓની ટોળકીએ ફરિયાદી શમશાદ અન્સારી પર જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. 

  આરોપી સંજય ઉર્ફે નાસીર અને તેના પરિજનોએ એકસંપ થઈને ફરિયાદીના ઘર પર પથ્થરમારો કર્યો હતો. આ હિંસક હુમલામાં દંડા અને પથ્થરોનો છૂટથી ઉપયોગ કરવામાં આવ્યો હતો. આટલેથી ન અટકતા, ઉશ્કેરાયેલા ટોળાએ ફરિયાદીની મોટરસાયકલમાં તોડફોડ કરીને તેને આગને હવાલે કરી દીધી હતી. ધોળે દિવસે થયેલા આ આતંકના કારણે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.

નારોલ પોલીસે આ ગંભીર મામલાને લઈને સંજય ઉર્ફે નાસીર, નાસીર ઉર્ફે અંધો, જીબોનો ભાઈ બાબુ, મોરલો, સંજયની પત્ની સોનુ અને બડા બાબુ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં અગાઉ થયેલા ઝઘડાનું વેર રાખીને આ હુમલો કરવાંમાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. હાલમાં પોલીસ આરોપીઓની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.

 

(2:01 PM IST)