તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
ડ્રગ્સના ધંધાના ખેરખાંઓ પર ANTF નો અંકલેશ્વર,અમદાવાદ માં સપાટો
મુખ્ય પોલીસ વડા અને CID વડા ડો.કે. એલ.એન.રાવની રણનીતિ રંગ લાવી, રાજ્યભરમાં નશીલા પદાર્થ સામે કડક સ્ટ્રાઇક ગાંજા, ચરસનો લાખોનો મુદામાલ જપ્તઃ વોન્ટેડ આરોપીઓને પકડવા વિવિધ ટીમો પડછાયાની જેમ પાછળઃ ભારે ફફડાટ

રાજકોટ, તા. ૧૩ - મુખ્ય પોલીસ વડા અને સી.આઈ.ડી. ક્રાઈમ વડા ડો. કે.એલ.એન.રાવની ડ્રગ્સ વિરોધી રણનીતિ મુજબ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ દ્વારા રાજ્યમાં નશીલા પદાર્થોના વેચાણ સામે કડક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે વડોદરા અને અમદાવાદ ઝોન દ્વારા એક સાથે કાર્યવાહી કરી મોટી સફળતા મેળવી છે. બંને દરોડામાં કુલ રૂા.૫,૦૫,૭૮૦/-નો મુદામાલ જપ્ત કરી ૪ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
અંકલેશ્વર કાર્યવાહીઃ વડોદરા ઝોનની ટીમે તા. ૧૨/૦૫/૨૦૨૬ ના રોજ અંકલેશ્વર કાપોદ્રા રોડ, અંસાર માર્કેટ પાસે નેશનલ હાઈવે નં.૪૮ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન તૌસીફ સુરતાન શેખ ઉં.૨૧ અને મહેન્દ્ર મુકેશભાઈ વસાવા ઉં.૨૩, બંને રહે. કીમ, માંગરોળ, સુરત નાઓના કબજામાંથી ૯૭૩ ગ્રામ ગાંજો, ૧૬૫ ગ્રામ ચરસ, હીરો સ્પ્લેન્ડર બાઈક, બે મોબાઈલ અને રોકડ મળી કુલ રૂા.૩,૩૭,૪૭૦/- નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. એક આરોપી સુવેજ ગુલામ શેખ નાસતો ફરે છે.
અમદાવાદ કાર્યવાહીઃ અમદાવાદ ઝોનની ટીમે તા. ૦૮/૦૫/૨૦૨૬ ના રોજ નરોડા, શ્રીજી બંગ્લોઝ ચાર રસ્તા ખાતે દરોડો પાડી શેખ યાસીન અનવર હુસેન ઉં.૩૭ અને મઝહરખાન જબ્બરખાન પઠાણ ઉં.૩૪, બંને રહે. અમદાવાદ નાઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓના વાહનમાંથી ગેરકાયદેસર Tripolidine Hydrochloride & Codeine Phosphate Cough Syrup (CADIFOS-T) કફ સિરપની ૪૧૦ બોટલ, ઓટો રિક્ષા, બે મોબાઈલ અને રોકડ મળી કુલ રૂ.૧,૬૮,૩૧૦/-નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ગુનામાં યોગેશભાઈ ઠક્કર અને વિષ્ણુભાઈ નાસતા ફરે છે.
બંને કેસમાં આરોપીઓ વિરુદ્ધ NDPS Act 1985 હેઠળ ગુના નોંધી આગળની તપાસ અનુક્રમે અંકલેશ્વર G.I.D.C. અને નરોડા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવીછે
(12:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
