<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

ડ્રગ્‍સ વિરોધી અભિયાન અંતર્ગત ANTF અમદાવાદ ઝોનની નિકોલમાં સફળ કાર્યવાહી, નેપાળી શખ્‍સ પાસેથી ૩૩૩ ગ્રામ ચરસ જપ્ત

ડ્રગ્‍સ વિરોધી મુખ્‍ય પોલીસ વડા ડો. કે.એલ.એન. રાવના અભિયાન અને રણનીતિ રંગ લાવી રહી છે : પોલીસ અધિક્ષક લોકેશ યાદવના નેતૃત્‍વમાં, DySP કે.ડી. ખાંભલા અને PI એન.બી. ડોડીયા ટીમને વધુ એક મોટી સફળતા મળી

રાજકોટ તા. રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા અને CID વડા ડો. કે. એલ.એન.રાવનું ડ્રગ્‍સ વિરોધી અભિયાન અને બ્રિટન સાથે પણ કરાર જેવી રણનીતિને વધુ એક મોટી સફળતા મળી છે. એન્‍ટી નાર્કોટિક્‍સ ટાસ્‍ક ફોર્સ અમદાવાદ ઝોન દ્વારા ગેરકાયદેસર ચરસના વેચાણ સામે નિકોલ વિસ્‍તારમાં સફળ કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસ અધિક્ષક લોકેશ યાદવની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક કે.ડી. ખાંભલાના માર્ગદર્શન હેઠળ પી.આઈ. એન.બી. ડોડીયા, હે.કો. વીજેન્‍દ્રભાઈ ભવરલાલ, પો.કો. તુષારભાઈ રાજેશભાઈ, પો.કો. અશ્વીનભાઈ દિનેશભાઈ, વુ.પો.કો. રીટાબેન વિનોદકુમાર તથા ટીમે પો.કો. અશ્વીનભાઈ દિનેશભાઈની ખાનગી બાતમીના આધારે તા. ૧૯/૦૫/૨૦૨૬ના રોજ પોલારીસ આનંદ ફ્‌લેટ, નિકોલ ખાતે દરોડો પાડ્‍યો હતો.

દરોડા દરમિયાન ફ્‌લેટના ચોકીદારના રૂમમાં રહેતા માનબહાદુર ગગન બુધાને ચરસના જથ્‍થા સાથે સ્‍થળ પર ઝડપી પાડવામાં આવ્‍યો હતો. તે મૂળ નેપાળના જાજરકોટ જિલ્લાનો રહેવાસી છે. આરોપી પાસેથી ૩૩૩ ગ્રામ ચરસ કિ.રૂ. ૮૩,૨૫૦, ડિજિટલ વજન કાંટો, મોબાઇલ, રોકડ, આધારકાર્ડ તથા નેપાળનું નાગરિક કાર્ડ મળી કુલ રૂ. ૯૩,૯૮૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.

આરોપી વિરુદ્ધ NDPS Act ૧૯૮૫ ની કલમ ૮(સી), ૨૦(બી)(II)(બી), ૨૯ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ નિકોલ પોલીસ સ્‍ટેશનને સોંપવામાં આવી છે. આ ગુનામાં બીજો આરોપી બિનોદસિંગ ફરાર છે.

(2:46 PM IST)