<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

વડોદરાના ફતેગંજ બ્રિજ પર ફરી ગંભીર અકસ્માત: પાલિકાના વાહન અને ત્રણ કાર વચ્ચે સામસામી ટક્કર :ભારે ટ્રાફિકજામ

બ્રિજ પર અકસ્માતોનું પ્રમાણ સતત વધી રહ્યું છે. માત્ર 15 દિવસ પહેલા જ આ જ બ્રિજ પર થયેલા એક મોટા અકસ્માતમાં 8 થી 10 વાહનો એકબીજા સાથે અથડાયા હતા.

વડોદરા શહેરના ફતેગંજ બ્રિજ પર વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું વાહન અને 3 કાર વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. સવારના વ્યસ્ત સમયગાળામાં બનેલી આ ઘટનાને કારણે બ્રિજ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે ચારેય વાહનોને ભારે નુકસાન થયું છે, જેના કારણે બ્રિજ પરથી પસાર થતા અન્ય વાહનચાલકો પણ લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાયા હતા.

 

આ બ્રિજ પર અકસ્માતોનું પ્રમાણ સતત વધી રહ્યું છે. માત્ર 15 દિવસ પહેલા જ આ જ બ્રિજ પર થયેલા એક મોટા અકસ્માતમાં 8 થી 10 વાહનો એકબીજા સાથે અથડાયા હતા. વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે હવે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો અને વાહનચાલકો દ્વારા તંત્ર પાસે એવી માંગ ઉઠી રહી છે કે આ બ્રિજ પર ભારદારી વાહનોની અવરજવર પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવે અથવા અકસ્માત રોકવા માટે યોગ્ય સુરક્ષાત્મક પગલાં લેવામાં આવે.

 

વ્યસ્ત અવરજવર ધરાવતા આ બ્રિજ પર પિક અવર્સમાં વાહનોની ગતિ અને અસાવધાની અકસ્માતોને આમંત્રણ આપી રહી છે. જોકે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિના અહેવાલ નથી, પરંતુ વારંવાર બનતા અકસ્માતો તંત્રની કામગીરી પર સવાલો ઉભા કરે છે. શું આ બ્રિજની ડિઝાઇનમાં ખામી છે કે પછી વાહનચાલકોની બેદરકારી? તે તપાસનો વિષય છે. જો યોગ્ય આયોજન કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

(2:17 PM IST)