તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
વલસાડ જિલ્લામાં 13 વર્ષથી વોન્ટેડ ગુનેગાર 35 ગુનામાં સામેલ એવા અનિલ યાદવ વાપીમાંથી પકડતી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ
આરોપી અનિલ બિંદેશ્વર યાદવ (ઉંમર 47) મૂળ બિહારના જહાનાબાદનો વતની: હાલ દમણના દાભેલ વિસ્તારમાં રમેશભાઈની ચાલીમાં છુપાઈને રહેતો હતો

વલસાડમાં 13 વર્ષથી નાસતા ફરતા રીઢા ગુનેગાર અનિલ બિંદેશ્વર યાદવને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ ઝડપી પાડ્યો છે. દક્ષિણ ગુજરાતના રેન્જ આઈ જી પ્રેમવીરસિંહ ધ્વરા જિલ્લા નાસ્તા ફરતા આરોપી પકડવા માટે એક અભિયાન શરૂ કરવાનો નિર્દેશ બાદ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચના હેઠળ SOG ટીમે આ કાર્યવાહી કરી હતી. આરોપી વાપી ટાઉન પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ હતો અને તેની સામે કુલ 35 ગુના નોંધાયેલા છે.
SOGના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. વાય.પી. હડીયા અને એસ.આર. સુસલાદેની ટીમ કાર્યરત હતી. હેડ કોન્સ્ટેબલ પ્રમોદ શાલીગ્રામ અને હસમુખ ગીગાભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે, આરોપી અનિલ યાદવને વાપી ચલા પોલીસ ચેકપોસ્ટ પાસે સાગાકાસા બિલ્ડિંગની સામે રોડ પરથી પકડી પાડવામાં આવ્યો હતો.
ઝડપાયેલ આરોપી અનિલ બિંદેશ્વર યાદવ (ઉંમર 47) મૂળ બિહારના જહાનાબાદનો વતની છે અને હાલ દમણના દાભેલ વિસ્તારમાં રમેશભાઈની ચાલીમાં છુપાઈને રહેતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તેની સામે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ અને IPC કલમ 465, 467 હેઠળ છેતરપિંડી સહિતના કુલ 35 જેટલા ગુનાઓ નોંધાયેલા છે.
આ ઉપરાંત, વલસાડ લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) એ પણ એક અન્ય ઓપરેશનમાં સફળતા મેળવી છે. વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના 7 વર્ષ જૂના ગુનામાં નાસતા ફરતા આરોપી બીપીન રામપ્રતાપ યાદવ (ઉંમર 29) ને ભિલાડના નાહુલી ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે અને સેલવાસમાં રહેતો હતો.
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
