તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 18th May 2026
વલસાડના અતુલ રેલવે સ્ટેશન નજીકથી અજાણી મહિલાની હાથ-પગ બાંધેલી હાલતમાં કોહવાયેલી લાશ મળતા ચકચાર
ઇલેક્ટ્રિક સબ સ્ટેશન પાછળથી ગળાફાંસો આપેલો ૨ થી ૩ દિવસ જૂનો મૃતદેહ મળ્યો : અન્યત્ર હત્યા કરી પુરાવાનો નાશ કરવા શબ અહીં ફેંકી દેવાયું હોવાની આશંકા વચ્ચે વલસાડ રૂરલ પોલીસે તપાસ તેજ કરી

વલસાડ, ૧૮ મે : વલસાડ જિલ્લાના અતુલ રેલવે સ્ટેશન નજીક આવેલા ઘાસીયાવાડી ગામ વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને ક્રૂર ઘટના સામે આવી છે. અહીં એક અજાણી મહિલાનો સડેલી અને કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે. મહિલાના હાથ અને પગ દોરડાથી ક્રૂરતાપૂર્વક બાંધેલા હતા તેમજ સાડી વડે ગળાફાંસો આપેલી હાલતમાં લાશ મળી આવતા પ્રાથમિક દ્રષ્ટિએ જ આ એક નિર્મમ હત્યા હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટના અંગેની જાણ થતાં જ વલસાડ રૂરલ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને અજાણ્યા હત્યારા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી વિગતો મુજબ, હરીયા ગામના સરપંચ મહેશ મંગુ યાદવ બપોરના સમયે પોતાના કોઈ અંગત કામસર મોટરસાયકલ પર પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન અતુલ રેલવે સ્ટેશન નજીક આવેલા રેલવે ગરનાળા પાસે લોકોની અચાનક ભીડ એકઠી થયેલી જોવા મળી હતી. સરપંચ ભીડ જોઈને નજીક પહોંચ્યા ત્યારે રેલવેના ઇલેક્ટ્રિક સબ સ્ટેશનની પાછળના ભાગમાંથી અસહ્ય અને ભારે દુર્ગંધ આવતી હોવાનું માલૂમ પડ્યું હતું. સ્થાનિક લોકોની હાજરીમાં ત્યાં જઈને તપાસ કરતા ઝાડીઓમાંથી એક મહિલાની લાશ મળી આવી હતી, જેથી આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. આ ભયાનક ઘટના અંગે તાત્કાલિક વલસાડ પોલીસ તેમજ અતુલ લિમિટેડના સિક્યુરિટી સ્ટાફને જાણ કરવામાં આવી હતી.
માહિતી મળતા જ વલસાડ રૂરલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે પ્રાથમિક તપાસ કરતા મૃતક મહિલાની ઉંમર આશરે ૩૦ થી ૩૫ વર્ષની હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. મહિલાના શરીર પર લીલા રંગનું બ્લાઉઝ અને આછા લીલા રંગનો ચણીયો પહેરેલો હતો. હત્યારાઓએ અત્યંત ક્રૂરતા દાખવીને મહિલાના બંને હાથ અને બંને પગ દોરડા વડે મજબૂતાઈથી બાંધી દીધા હતા. આ ઉપરાંત મહિલાની જ સાડી વડે ગળા ટૂંપો (ગળાફાંસો) આપવામાં આવ્યો હોવાના સ્પષ્ટ નિશાન ગળાના ભાગે મળી આવ્યા હતા, જેના કારણે દબાણ વધવાથી મહિલાની જીભ અને આંખો બહાર નીકળી ગયેલી બિહામણી હાલતમાં જોવા મળી હતી.
પોલીસના સત્તાવાર જણાવ્યા મુજબ, મહિલાનો મૃતદેહ આશરે ૨ થી ૩ દિવસ જૂનો હોવાનું અનુમાન છે. લાશ લાંબા સમયથી ખુલ્લામાં પડી રહી હોવાના કારણે સંપૂર્ણપણે ડી-કમ્પોઝ (કોહવાઈ) થઈ ગઈ હતી અને તેના પર જીવાત પણ પડી ગઈ હતી. તદુપરાંત, મહિલાના માથા તેમજ મોઢાના ભાગે લોહીના સુકાયેલા નિશાન અને ઈજાઓ પણ મળી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં એવું વહેણ બહાર આવ્યું છે કે મહિલાની હત્યા કોઈ અન્ય અજાણ્યા સ્થળે કરીને, પુરાવાનો નાશ કરવાના અને પોતાની ઓળખ છુપાવવાના હીન ઈરાદે મૃતદેહને અતુલ રેલવે સ્ટેશન નજીકના આ અવાવરુ વિસ્તારમાં ફેંકી દેવામાં આવ્યો હતો.
ત્યારબાદ પોલીસે અતુલ લિમિટેડના સિક્યુરિટી ઓફિસર ફિરોઝ શેખ અને સિક્યુરિટી ગાર્ડ લવકુશ ગૌતમને સાક્ષી તરીકે રાખીને કાયદેસરનું પંચનામું કર્યું હતું. પોલીસે કાળજીપૂર્વક મૃતદેહને કબ્જે કરીને વધુ તપાસ અને પોસ્ટમોર્ટમ (PM) ની પ્રક્રિયા માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. હાલના તબક્કે વલસાડ રૂરલ પોલીસે આસપાસના તમામ ગામો, ઔદ્યોગિક વસાહતો અને વિસ્તારોમાં તાજેતરમાં ગુમ થયેલી મહિલાઓની યાદી ચકાસીને મૃતકની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. આ સાથે જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ મારફતે પણ મૃતકના કપડાં અને ફોટા વાયરલ કરીને તેના વાલીવારસો સુધી પહોંચવા પોલીસ તંત્ર દ્વારા રાત-દિવસ એક કરવામાં આવી રહ્યા છે.
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
