<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

સુરતના મોટા વરાછામાં બેકાબૂ સ્કોર્પિયોએ ત્રણ મહિલાને મારી ટક્કર મારતા એક મહિલાનું મોત : 19 વર્ષીય ચાલકની ધરપકડ

મોટા વરાછા રિંગ રોડ પર રાત્રે 11:30 વાગ્યે અકસ્માત : રસ્તાની બાજુમાં બેઠેલી ત્રણ મહિલાને સ્કોર્પિયોએ કચડતા પોલીસે ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી

સુરત તા.૧૪ :  મોટા વરાછા રિંગ રોડ પર મંગળવારે રાત્રે 11:30 વાગ્યાની આસપાસ બેકાબૂ સ્કોર્પિયો કારે રસ્તાની બાજુમાં બેઠેલી ત્રણ મહિલાને ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બે મહિલાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. અકસ્માત સર્જનાર સ્કોર્પિયોના 19 વર્ષીય ચાલકની ઉત્રાણ પોલીસે ધરપકડ કરી છે.

 

પ્રાથમિક માહિતી મુજબ, પૂરઝડપે આવી રહેલી સ્કોર્પિયોના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર રસ્તો છોડીને બાજુમાં બેઠેલા લોકો પર ચઢી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બે ઈજાગ્રસ્ત મહિલાઓને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જેમાંથી એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

 

ઉત્રાણ પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કાર ચાલક 19 વર્ષીય યુવક છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ચાલક નશાની હાલતમાં હતો કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે.

 

ઉલ્લેખનીય છે કે આઉટર રિંગ રોડ પર અગાઉ પણ પૂરઝડપે વાહન ચલાવવાને કારણે જીવલેણ અકસ્માતો નોંધાઈ ચૂક્યા છે. મોટા વરાછા વિસ્તારમાં બનેલી આ ઘટનાથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

(3:57 PM IST)