<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

બગદાણામાં ૨૦થી ૨૫ જાન્‍યુઆરીએ ૨૫ લાખ ભક્‍તોનો મહાસાગર ઉમટશે!

૪૫ હજાર સ્‍વયંસેવકો, ૫૦૦ ચુલા અને ૧૫૦૦ વીઘામાં ભવ્‍ય આયોજનઃ તૈયારીઓ વેગવંતી ભાવનગરના બગદાણા ગુરુ આશ્રમમાં બજરંગદાસ બાપાની ૫૦મી મહાપરિનિર્વાણ તિથિ નિમિત્તે ૨૦થી ૨૫ જાન્‍યુઆરીએ અર્ધશતાબ્‍દી મહોત્‍સવ યોજાશે

અમદાવાદઃ તા.૨૭: ભાવનગર જિલ્‍લામાં સ્‍થિત સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણા ગુરુ આશ્રમમાં બજરંગદાસ બાપાની ૫૦મી મહાપરિનિર્વાણ તિથિ નિમિત્તે યોજાનારા અર્ધશતાબ્‍દી મહોત્‍સવને લઈને તૈયારીઓ વેગવંતી બની છે. આગામી ૨૦થી ૨૫ જાન્‍યુઆરીના રોજ યોજાનારા આ મહોત્‍સવમાં દેશ-વિદેશમાંથી અંદાજે ૨૫ લાખ શ્રદ્ધાળુઓ ઉમટશે તેવી શક્‍યતા છે.

આ મહોત્‍સવની સૌથી મોટી વિશેષતા માત્ર ભક્‍તોની સંખ્‍યા જ નહીં પરંતુ ૪૫ હજાર સ્‍વયંસેવકોની શિસ્‍તબદ્ધ સેવા અને ૨૮ સમિતિઓનું સંકલન છે. અંદાજે ૧૫૦૦ વીઘા વિસ્‍તારમાં ફેલાયેલા આ આયોજનમાં યજ્ઞશાળા, ધર્મસભા, ભોજનશાળા અને પાર્કિગ સહિતની સુવિધાઓને આખરી ઓપ આપવામં આવી રહ્યો છે.

બજરંગદાસ બાપાની ૫૦મી મહાનિર્વાણ તિથિના અવસરે આયોજિત મહોત્‍સવ દરમિયાન આવતા શ્રદ્ધાળુઓ માટે ત્રણ ટાઈમ ભોજન અને મહાપ્રસાદની વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવી છે. જેના માટે વિશાળ આયોજનની વિગતે વાત કરીએ તો, ભોજન વ્‍યવસ્‍થા માટે અંદાજે ૨.૨૬ લાખ કિલો ઘઉંનો લોટ વપરાશે. મહાપ્રસાદ તૈયાર કરવા માટે આશરે ૫૦૦ ચુલા કાર્યરત કરવામાં આવશે, ઉપરાંત વિશાળ ભોજનશાળામાં એક સાથે અંદાજે ૨ લાખ લોકો મહાપ્રસાદ લઈ શકે તેવી વ્‍યવસ્‍થા છે.

અંદાજે ૬ લાખ શ્રદ્ધાળુઓ પહોંચે તેવી સંભાવના અને પરિસરમાં એકસાથે ૨ લાખ લોકો હાજર રહી શકે તે રીતે માળખાગત સુવિધાઓ ગોઠવવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓને કોઈ હાલાકી ન પડે તે હેતુથી પીવાના, સ્‍નાન અને શૌચાલયના ઉપયોગ માટે દરરોજ ૭૨ લાખ લિટર પાણી તથા ૨,૦૦૦થી વધુ શૌચાલય યુનિટ ઉપલબ્‍ધ કરાશે.

આશરે ૫૦ હજાર લોકો માટે રાત્રિ રોકાણની વ્‍યવસ્‍થા ઊભી કરવામાં આવી રહી છે. તેની સાથે સાથે સમગ્ર પરિસરમાં ૫૦૦થી વધુ CCTV કેમેરા, ૨૪ કલાક કાર્યરત કંટ્રોલ રૂમ, ૧૦ મેડિકલ પોસ્‍ટ અને ૨૫ એમ્‍બ્‍યુલન્‍સ તૈનાત રાખવાનુ આયોજન કરાયું છે. તેમજ ૩૦૦ એકરનો વિશાળ પાર્કિગ વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે.બગદાણા ગુરુ આશ્રમ ટ્રસ્‍ટ હેઠળ દર્શન, મહાપ્રસાદ, પાર્કિગ, પાણી, સ્‍વચ્‍છતા, આરોગ્‍ય, સુરક્ષા અને ઉતારાની જવાબદારી અલગ-અલગ સમિતિઓને સોંપાઈ છે. ત્રણ શિફટમાં કામ કરતા સ્‍વયંસેવકો છેલ્‍લા બે મહિનાથી સક્રિય છે.

સ્‍વયંસેવક મનજીભાઈ ડોડિયાના જણાવ્‍યા મુજબ, યજ્ઞશાળા, રસોડાં અને નવા બિલ્‍ડિંગનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. બગદાણા ઉપરાંત સમગ્ર ગુજરાતમાંથી ભક્‍તો અને સેવકો જોડાયા છે, અને દરેક સમાજના ભાઈઓ-બહેનો સહભાગી બને તેવું આયોજન કરાયું છે. તેઓ પોતે છેલ્‍લા ત્રણ મહિનાથી સેવામાં જોડાયેલા છે અને મહોત્‍સવ પૂર્ણ થાય ત્‍યાં સુધી બગદાણામાં રહીને સેવા આપવાનો સંકલ્‍પ ધરાવે છે.(

(3:36 PM IST)