<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

ગાંધીનગરમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડના જવાને પોતાને ગોળી મારી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો : ગંભીર હાલતમાં જવાનને સારવારમા ખસેડાયો

એફએસએલની ટીમને બનાવ સ્થળે બોલાવવામાં આવી : કોસ્ટગાર્ડ જવાને કયા કારણોસર આ પગલું ભર્યું ? તેની તપાસ શરૂ : પોલીસ દ્વારા પરિવારના સભ્યો અને સાથી કર્મચારીઓની પૂછપરછ

ગાંધીનગર : ગાંધીનગરમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડના જવાને પોતાને ગોળી મારી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. ગોળીબારનો અવાજ સંભળાતા અન્ય સુરક્ષાકર્મીઓ અને સ્ટાફના સભ્યો આવી પહોંચ્યા હતા અને ગંભીર હાલતમાં જવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યાં જવાનની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, આજે રવિવારે સવારે ગાંધીનગરના સેક્ટ-1માં આવેલા ગાયત્રી મંદિર પાસેના ભારતીય કોસ્ટ ગાર્ડની ઓફિસના કેમ્પસમાં 43 વર્ષીય કોસ્ટ ગાર્ડ જવાને કોઇ અગમ્ય કારણોસર રાઇફલમાંથી પોતાને ગોળી મારી દીધી હતી. ગોળીબાર થયો હોવાનો અવાજ સંભળાતા કેમ્પસમાં હાજર અન્ય સુરક્ષાકર્મીઓ અને સ્ટાફના સભ્યો દોડી આવ્યા હતા.કોસ્ટ ગાર્ડના જવાનને ગંભીર હાલતમાં જોઇ તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

 

બનાવની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. એફએસએલની ટીમને પણ બનાવ સ્થળે બોલાવવામાં આવી હતી. જરૂરી પુરાવા અને લોહીના નૂમના એક્ત્ર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. બનાવ અંગે જવાના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. કોસ્ટગાર્ડ જવાને કયા કારણોસર આ પગલું ભર્યું તેની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ પરિવારના સભ્યો અને સાથી કર્મચારીઓની પૂછપરછ કરી રહી છે.

(12:44 PM IST)