તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th May 2026
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળી રાજ્ય મંત્રીમંડળની મહત્વપૂર્ણ બેઠક: ખેડૂતો, યુવાનો અને સામાન્ય જનતાના હિતમાં લેવાયા ઐતિહાસિક નિર્ણયો
ઉનાળુ પાક માટે ટેકાના ભાવે ખરીદીની મંજૂરી, 50 હજાર યુવાનોને સરકારી નોકરી અને સિંચાઈ યોજનાઓને વેગ: કેબિનેટ બેઠકમાં 12 મુદ્દાઓ પર થઈ વિસ્તૃત ચર્ચા

ગાંધીનગર તા.૨૭ : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં બુધવારે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના ખેડૂતો, યુવાનો અને સામાન્ય નાગરિકોના હિતને ધ્યાનમાં રાખીને અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.
બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું કે કેબિનેટે ખેડૂતોના વ્યાપક હિતમાં મગ, અડદ અને તલના પાકની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે. આગામી 15 જૂનથી રાજ્યના તમામ APMC ખાતે ખરીદી કેન્દ્રો શરૂ કરવામાં આવશે. સરકારે મગ માટે રૂ. 8,682, અડદ માટે રૂ. 7,400 અને તલ માટે રૂ. 9,267 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કર્યો છે.
યુવાનો માટે પણ કેબિનેટે મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ખાલી પડેલી 50 હજાર જગ્યાઓ પર આગામી 6 મહિનામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. જેમાં પોલીસ, શિક્ષણ, આરોગ્ય અને પંચાયત વિભાગની જગ્યાઓનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત કેબિનેટ બેઠકમાં સિંચાઈ યોજનાઓને વેગ આપવા માટે રૂ. 3,200 કરોડની ફાળવણીને મંજૂરી આપવામાં આવી છે. સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના 115 ડેમ ભરવાની કામગીરીને ઝડપી બનાવાશે. કચ્છમાં નર્મદાના વધારાના પાણી પહોંચાડવા માટે નવી પાઇપલાઇનના કામને પણ લીલી ઝંડી આપવામાં આવી છે.
શહેરી વિસ્તારોમાં આવાસ યોજના હેઠળ EWS અને LIG કેટેગરીના લાભાર્થીઓને મળતી સહાયમાં રૂ. 1 લાખનો વધારો કરવાનો નિર્ણય પણ લેવાયો છે. હવે લાભાર્થીઓને રૂ. 3.5 લાખને બદલે રૂ. 4.5 લાખની સહાય મળશે.
મુખ્યમંત્રીએ બેઠકમાં તમામ મંત્રીઓને સૂચના આપી હતી કે સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવે. જનસુખાકારીના કામોમાં કોઈ વિલંબ ચલાવી લેવામાં આવશે નહીં.
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
