<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

કાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં શાસક પક્ષની મહત્વની બેઠક

ત્રણ દિવસના ચોમાસા સત્ર અને વિપક્ષના મુદ્દાઓ અંગે મંથન થશે:કાલે સાંજે 5 કલાકે સ્વર્ણિમ સંકુલ ખાતે કેબિનેટ બેઠક યોજાશે:વરસાદ, પીવાના-સિંચાઈના પાણી અને નવા બિલો પર ચર્ચા થશે.

ગાંધીનગર સ્થિત ગુજરાત વિધાનસભા સંકુલ ખાતે આવતીકાલે સવારે 10 વાગ્યે શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે. તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Harsh Sanghvi) અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા સહીત મંત્રીમંડળના તમામ સભ્યો તથા શાસક પક્ષના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.

આગામી સમયમાં શરૂ થનારા 3 દિવસના ચોમાસા સત્રના વિવિધ વિધાયક અને સરકારી કામકાજ અંગે આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. વિધાનસભા સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવનારા સંભવિત આક્રમક મુદ્દાઓ, પ્રશ્નો અને ઘેરાવની રણનીતિ સામે સરકાર તરફથી કેવી રીતે તથ્યો સાથે યોગ્ય જવાબ આપવો તે અંગે ઊંડાણપૂર્વક મંથન કરવામાં આવશે. શાસક પક્ષના તમામ ધારાસભ્યોને સત્ર દરમિયાન સક્રિય અને સંકલિત રહેવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.

 

વિધાનસભા સત્રની વિશેષ તૈયારીઓને ધ્યાને રાખીને આવતીકાલે સામાન્ય દિવસો કરતાં અલગ રીતે કેબિનેટ બેઠક સાંજે 5 કલાકે બોલાવવામાં આવી છે. સ્વર્ણિમ સંકુલ ખાતે યોજાનારી આ ઉચ્ચસ્તરીય કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી અને તમામ મંત્રીઓ દ્વારા રાજ્યના અનેક નીતિવિષયક નિર્ણયો પર ચર્ચા હાથ ધરાશે.

 

 

કેબિનેટ બેઠકના મુખ્ય એજન્ડામાં રાજ્યમાં વરસાદની વર્તમાન સ્થિતિની સમીક્ષાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજ્યના જળાશયોમાં પાણીની આવક, પીવાના પાણીની વ્યવસ્થા અને ખેડૂતો માટે સિંચાઈના પાણીની ઉપલબ્ધતા અંગે ઉચ્ચ સ્તરે તાગ મેળવવામાં આવશે. સાથે જ વિધાનસભાના આગામી સત્રમાં ગૃહમાં રજૂ થનારા મહત્વના સરકારી બિલ અને વૈધાનિક સુધારાઓ પર પણ કેબિનેટમાં વિસ્તૃત મંથન કરી અંતિમ મંજૂરી આપવામાં આવશે.

(7:17 PM IST)