<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

૩૩ જિલ્લાની સ્થાનિક ઓળખ સમાન એક-એક પ્રોડકટને GI ટેગ અપાવવાની કવાયત

'વન ડિસ્ટ્રિકટ વન પ્રોડકટ': જીઆઈ ટેગથી આ પ્રોડકટની વૈશ્વિક બ્રાન્ડ ઓળખ મજબૂત બનશે અને નિકાસ વધશે : સંખેડા ફર્નિચર, કેસર કેરી સહિત ગુજરાતની ૨૭ પ્રોડ્કટને અત્યાર સુધી GI ટેગ મળી ચૂકયો છે

અમદાવાદ તા.૭: ગુજરાતના ૩૩ જિલ્લાની સ્થાનિક ઓળખ હવે વૈશ્વિક બજારમાં નવી ઓળખ મેળવવાની દિશામાં આગળ વધી રહી છે. રાજ્ય સરકારે કેન્દ્રના 'વન ડિસ્ટ્રિકટ વન પ્રોડકટ' (ODOP) કાર્યક્રમ હેઠળ દરેક જિલ્લામાંથી એક મુખ્ય પ્રોડકટ ઓળખી કાઢી છે અને હવે આમાંથી શકય તેટલી વધુ પ્રોડકટને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) ટેગ અપાવવાની પ્રક્રિયા ઝડપી બનાવવાનો નિર્ણય લીધો છે. સરકારનું માનવું છે કે જીઆઈ ટેગથી આ પ્રોડકટની બ્રાન્ડ ઓળખ મજબૂત બનશે, નિકાસ વધશે અને સ્થાનિક ઉત્પાદકો, કારીગરો, ખેડૂતો તથા એમએસએમઈની આવકમાં વધારો થશે.

સોમવારે રાજ્યમાં ODOP કાર્યક્રમના અમલીકરણની સ્થિતિ અંગે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ વહીવટીતંત્રને ODOP હેઠળ આવતી મહત્તમ સંખ્યામાં પ્રોડકટને GI ટેગ મળે તે જોવા કરવા સૂચના આપી છે. ODOPની યાદીમાં સામેલ પ્રોડકટ ગુજરાતના અલગ-અલગ જિલ્લાની આર્થિક અને સાંસ્કૃતિક બાબતને દર્શાવે છે. અમદાવાદની મુખ્ય પ્રોડકટ તરીકે ગાર્મેન્ટ અને એપેરલની પસંદગી કરવામાં આવી છે.

અમરેલી અને જૂનાગઢમાં મગફળી આધારિત પ્રોડકટ, આણંદ અને મહેસાણામાં દૂધ આધારિત પ્રોડકટ, ગીર-સોમનાથમાં કેસર કેરી, નવસારીમાં આલ્ફોન્સો કેરી, કચ્છમાં હસ્તકલા, સુરતમાં જેમ્સ અને જ્વેલરી અને રાજકોટમાં મશીનરી પ્રોડકટને ODOP હેઠળ ઓળખવામાં આવી છે.

આ ઉપરાંત બનાસકાંઠામાં ગ્રેનાઈટ અને માર્બલના બ્લોકસ, ભરૃચમાં કેમિકલ્સ, ભાવનગરમાં ડિહાઇડ્રેટેડ ડુંગળી, સાબરકાંઠા અને મોરબીમાં સિરામિક ટાઇલ્સ, નર્મદામાં કેળાં, વડોદરામાં ફાર્માસ્યુટિકલ એન્જિાનિયરિગ પ્રોડકટ્સ અને વલસાડમાં કેમિકલ પ્રોડકટ્સને પણ ઓળખ આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતની ૨૭ પ્રોડકટને પહેલેથી જ GI રજિસ્ટ્રેશન મળી ચૂકયું છે. તેમાં સંખેડા ફર્નિચર, ખંભાતના અગેટ્સ, કચ્છ એમ્બ્રોઇડરી, કચ્છ રોગન ક્રાફટ, કચ્છ બાંધણી, અમદાવાદની સોદાગરી બ્લોક પ્રિન્ટિંગ, સુરતની ઝરી ક્રાફટ, ગીર કેસર કેરી, કચ્છી ખારેક, અંબાજી વ્હાઇટ માર્બલ, પેથાપુર બ્લોક મેકિગ, પીઠોરા અને વરલી પેઇન્ટિંગ, પાટણ પટોળા, રાજકોટ પટોળા અને સુરતી સાદેલી ક્રાફટનો સમાવેશ થાય છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે મુખ્ય ધ્યાન પેકેજિંગ, ગુણવત્તા પ્રમાણપત્ર અને નિકાસ માટેની તૈયારી પર રહેશે.  ઉત્પાદકોને દેશ-વિદેશના ખરીદદારો સાથે જોડવા માટે બાયર-સેલર મીટ અને બીટુબી ઇન્ટરએકશનનું આયોજન કરવામાં આવશે.

સરકાર દ્વારા ODOP માટે એક ખાસ પોર્ટલ બનાવવાની પણ દરખાસ્ત કરવામાં આવી છે. આ પોર્ટલ પર પ્રોડકટ, ઉત્પાદકો, ખેડૂતો, કારીગરો, બજારો, યોજનાઓ, સહાય અને નિકાસની તકો અંગેની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

રાજ્ય સરકારે ODOP પ્રોડકટના બજાર પ્રમોશનની કામગીરી પણ તેજ કરી છે. ૨૦૨૫-૨૬ દરમિયાન ૧૫૦થી વધુ મેળા, પ્રદર્શનો અને પ્રમોશનલ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમો દરમિયાન ૮૪ કરોડ રૃપિયાથી વધુનું વેચાણ થયું હતું. ૨૦૨૬-૨૭માં અત્યાર સુધીમાં આવા ૭૭ મેળા, પ્રદર્શનો અને પ્રમોશનલ કાર્યક્રમો યોજાઈ ચૂકયા છે, જેમાં ૨૯ કરોડ રૃપિયાથી વધુનું વેચાણ થયું છે.

સરકારે ODOP પ્રોડકટની નિકાસને પ્રોત્સાહન આપવા માટે ૧ ટકા એકસપોર્ટ ઇન્સેન્ટિવ આપવાની પણ દરખાસ્ત કરી છે. આ પ્રોત્સાહનની મહત્તમ મર્યાદા ૧૦ લાખ રૃપિયા રાખવામાં આવી છે. હેન્ડલૂમ અને હેન્ડીક્રાફટ સ્ટાર્ટઅપ્સને ૨૦ ટકા સુધીની સહાય મળી શકશે, જેની મહત્તમ મર્યાદા ૬ લાખ રૃપિયા રાખવામાં આવી છે.

(1:20 PM IST)