<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

રાજ્યમાં ૨૩૬ 'સરસ મેળા' થકી અંદાજે રૂ. ૩૯ કરોડ કરતાં વધુનું વેચાણ: ૮,૫૦૦થી વધુ સખી મંડળો બન્યા આર્થિક ક્રાંતિના વાહક

અમદાવાદ અને રાજકોટમાં ચાલુ વર્ષે 'સરસ મેળા'માં રૂ. ૮.૬૨ કરોડનું ઐતિહાસિક વેચાણ: તા. ૫ ડિસેમ્બરથી ૧૫ જાન્યુઆરી, ૨૦૨૭ સુધી કચ્છ રણોત્સવ ખાતે 'સખી ક્રાફ્ટ બજાર'નું આયોજન

ગાંધીનગર :ગુજરાતની ગ્રામીણ નારીશક્તિ આજે રાજ્યના આર્થિક વિકાસનું એક મજબૂત ચાલકબળ બની રહી છે. પોતાની આગવી કુશળતા અને અથાગ પરિશ્રમના બળે સફળ ઉદ્યોગસાહસિક તરીકે ઉભરી રહેલી આ નારીશક્તિ માટે 'ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ' (GLPC) એક સશક્ત માધ્યમ બન્યું છે. ભારત સરકારની મહત્વાકાંક્ષી યોજના 'દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન' (DAY-NRLM) અંતર્ગત વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૬ સુધીના પાંચ વર્ષમાં રાજ્યભરમાં ૨૩૬ ભવ્ય 'સરસ મેળાઓ'નું આયોજન કરીને મહિલા સશક્તીકરણનો એક નવો સુવર્ણ અધ્યાય લખાયો છે, જેમાં ૮,૫૦૦થી વધુ સ્વ-સહાય જૂથો (SHGs) એ સહભાગી થઈને અંદાજે રૂ. ૩૯ કરોડ કરતાં વધુનું વેચાણ નોંધાવ્યું છે. 
આ સફળતાની શૃંખલામાં ચાલુ વર્ષે તહેવારો દરમિયાન યોજાયેલા વિવિધ મેળાઓમાં ગ્રામીણ બહેનોની કલા અને કૌશલ્યને અદભૂત પ્રતિસાદ મળ્યો છે. શ્રાવણ ઉત્સવ અંતર્ગત યોજાયેલા ૭ મેળાઓમાં ૧૮૭ સ્ટોલ પર ૩૭૦થી વધુ બહેનોએ રૂ. ૧.૩ કરોડનું વેચાણ કર્યું, જેની ૧૦ લાખથી વધુ નાગરિકોએ મુલાકાત લીધી હતી. ત્યારબાદ પ્રિ-નવરાત્રીના ૩૮૩ સ્ટોલ પર ૭૬૬ બહેનોએ રૂ. ૨ કરોડથી વધુની આવક મેળવી, જ્યારે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં "સ્ત્રી શક્તિ-સખી શક્તિ" થીમ હેઠળ નારીશક્તિનું ભવ્ય પ્રદર્શન યોજાયું હતું. આ ઉપરાંત મહેસાણા, અમરેલી અને નવસારી ખાતે યોજાયેલા પ્રી-દિવાળી મેળાઓમાં પણ ૧૧૫ સ્ટોલ પર ૨૨૬ બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈને આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના નેતૃત્વ હેઠળ ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આયોજિત 'સરસ મેળાઓ' ગ્રામીણ અર્થતંત્ર માટે નવી દિશા ખોલી રહ્યા છે. આ આયોજનનો મૂળ હેતુ માત્ર ચીજવસ્તુઓના વેચાણ પૂરતો સીમિત ન રહેતા, ગ્રામીણ બહેનો દ્વારા નિર્મિત પરંપરાગત હસ્તકલા, હેન્ડલૂમ, ખાદ્યપદાર્થો અને સ્થાનિક ઉત્પાદનોને વચેટિયાઓ વિના સીધું બજાર અને ગ્રાહકો સાથે જોડવાનો છે. આ પ્લેટફોર્મ થકી બહેનોને માર્કેટિંગ, ગ્રાહક સંવાદ, ઉત્પાદનની આકર્ષક રજૂઆત અને બ્રાન્ડિંગની વ્યવહારુ તાલીમ મળે છે, જે તેમને સ્થાનિક બજારથી આગળ વધીને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે એક સફળ ઉદ્યોગસાહસિક તરીકેની આગવી ઓળખ અપાવે છે.
તાજેતરમાં જ ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે અમદાવાદ અને રાજકોટ ખાતે ખુલ્લા મુકાયેલા રાષ્ટ્રીય કક્ષાના 'સરસ મેળાઓ'એ સફળતાના નવા સીમાચિહ્નો અંકિત કર્યા છે. આ બંને મેળાઓમાં કુલ ૩૨૪ સ્ટોલના માધ્યમથી ૬૪૮ ગ્રામીણ બહેનોએ સંયુક્ત રીતે અંદાજે રૂ. ૮.૬૨ કરોડનું વેચાણ નોંધાવી આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ખાસ કરીને અમદાવાદ ખાતે તા. ૨૩ ઓક્ટોબર થી ૫ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન યોજાયેલા મેળામાં ૩૨૦ બહેનોએ ૧૬૦ સ્ટોલનું સફળ સંચાલન કર્યું હતું, જ્યાં ૬.૫ લાખથી વધુ મુલાકાતીઓએ રૂ. ૩.૫ કરોડ કરતાં વધુની ચીજવસ્તુઓની ખરીદી કરીને ગ્રામીણ નારીશક્તિના કૌશલ્યને બિરદાવ્યું હતું.
આ અવસરે ધોળકા અને બાવળાના ચાર સખી મંડળોને કુલ રૂ. ૨૩ લાખની કેશ ક્રેડિટ લોન સહાય તેમજ પાંચ બહેનોને 'લખપતિ દીદી' પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સાથે જ સાબરકાંઠા, આણંદ અને અમદાવાદની ૩૫૦ બહેનો માટે ૩ પ્રેરણા પ્રવાસ તથા બ્રાન્ડિંગ-પેકેજિંગ, વીમા-સખી અને ONDC પ્લેટફોર્મ અંગેના વિશેષ વર્કશોપ યોજાયા હતા.
બીજી તરફ, રાજકોટ ખાતે તા. ૨૫ ઓક્ટોબર થી ૫ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન યોજાયેલા મેળામાં ૧૬૪ સ્ટોલ પર ૩૨૮ બહેનોએ ભાગ લઈને ૧૦ લાખથી વધુ મુલાકાતીઓ સમક્ષ પોતાના ઉત્પાદનો રજૂ કર્યા હતા અને રૂ. ૫.૧૨ કરોડનું વેચાણ નોંધાવ્યું હતું. આ મેળા દરમિયાન પડધરી, જસદણ, ધોરાજી, કોટડા સાંગાણી અને લોધિકાના પાંચ મિશન મંગલમ જૂથોને કુલ રૂ. ૨૨ લાખની કેશ ક્રેડિટ લોન, ઉપલેટાના ઓમ સાંઈ ક્લસ્ટર લેવલ ફેડરેશનને રૂ. ૩.૫ લાખનું સ્ટાર્ટ-અપ ફંડ, બે જૂથોને અમૂલ પાર્લરના મંજૂરી હુકમ અને પાંચ બહેનોને 'લખપતિ દીદી' પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. 
તદુપરાંત, અહી બહેનોને આધુનિક બજાર સાથે કદમ મિલાવવા માટે ઈ-કોમર્સ, સોશિયલ મીડિયા માર્કેટિંગ, માઈક્રો ફાઈનાન્સ, પેકેજિંગ-ડિઝાઈનિંગ, કેટરિંગ, ફૂડ વેલ્યુ એડિશન અને ONDC ઓનબોર્ડિંગ જેવા મહત્વપૂર્ણ વિષયો પર વર્કશોપનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
ગ્રામીણ બહેનોની આ વિકાસયાત્રાને વધુ વેગ આપવા માટે આગામી તા. ૦૫ ડિસેમ્બર, ૨૦૨૬ થી તા. ૧૫ જાન્યુઆરી, ૨૦૨૭ દરમિયાન વિશ્વપ્રસિદ્ધ કચ્છના રણોત્સવ ખાતે 'સખી ક્રાફ્ટ બજાર'નું આયોજન કરવામાં આવનાર છે. અહીં ૧૫-૧૫ દિવસના રોટેશન મુજબ ૧૦૦ ક્રાફ્ટ સ્ટોલ અને ૧૦ ફૂડ સ્ટોલ એમ કુલ ૧૧૦ જેટલા સ્ટોલ ૬૫૦ થી વધુ સખીમંડળની બહેનોને ફાળવવામાં આવશે, જેથી દેશ-વિદેશના પ્રવાસીઓ સમક્ષ ગુજરાતની ગ્રામીણ કલા અને મહિલા ઉદ્યોગસાહસિકતાની સુવાસ ફેલાશે. GLPCના આ પ્રયાસો ખરા અર્થમાં ગ્રામીણ મહિલાઓને આત્મનિર્ભર બનાવી 'વિકસિત ગુજરાત'ના નિર્માણમાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે

(2:01 PM IST)