<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

બનાસકાંઠાના પાંથાવાડામાં રેફરલ હોસ્પિટલ નજીક એક વૃદ્ધે આત્મહત્યાનો પ્રયાસ કરતાં ચકચાર મચી

65 વર્ષીય દેવેન્દ્રભાઈ બાબુલાલ વાણિયાએ પોતાના શરીર પર પેટ્રોલ છાંટી આગ લગાવી ત્યારબાદ તેઓ ગંભીર હાલતમાં પાંથાવાડા રેફરલ હોસ્પિટલ પહોંચ્યા.

 

બનાસકાંઠાના પાંથાવાડામાં રેફરલ હોસ્પિટલ નજીક એક વૃદ્ધે આત્મહત્યાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, 65 વર્ષીય દેવેન્દ્રભાઈ બાબુલાલ વાણિયાએ પોતાના શરીર પર પેટ્રોલ છાંટી આગ લગાવી હતી. ત્યારબાદ તેઓ ગંભીર હાલતમાં પાંથાવાડા રેફરલ હોસ્પિટલ પહોંચ્યા હતા.

બપોરના સમયે વૃદ્ધ સળગેલી હાલતમાં હોસ્પિટલ પરિસરમાં પહોંચ્યા હતા. ઘટનાની જાણ થતાં હોસ્પિટલ સ્ટાફે તાત્કાલિક આગ બુઝાવી બચાવ કામગીરી હાથ ધરી હતી. સમગ્ર ઘટનાના દૃશ્યો હોસ્પિટલના CCTV કેમેરામાં કેદ થયા હોવાનું સામે આવ્યું છે.

ઘટનાની જાણ પાંથાવાડા પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને ઘટનાને લઈને જરૂરી વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે.

 

પ્રાથમિક સારવાર બાદ વૃદ્ધ દેવેન્દ્રભાઈ બાબુલાલ વાણિયાને વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

પાંથાવાડા પોલીસના ટેલિફોનિક નિવેદન મુજબ, વૃદ્ધ કેન્સરની બીમારીથી પીડાતા હતા અને તેનાથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. આગ લાગ્યા બાદ તેઓ સારવાર માટે પાંથાવાડા રેફરલ હોસ્પિટલ તરફ દોડી ગયા હતા. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. હાલ વૃદ્ધની તબિયત અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

(12:30 AM IST)