<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

વડોદરાના વેમાલી ગામમાં લગ્નના વરઘોડામાં હુમલાખોરે પેટમાં ચપ્પુ માર્યું

જૂની અદાવતમાં યુવાન પર જીવલેણ હુમલો કરી આરોપી મોપેડ પર ફરાર, લગ્નમાં નાસભાગ

વડોદરા નજીક વેમાલી ગામમાં સંદીપ ઠાકોર પરમાર નામના યુવાનના લગ્નના વરઘોડામાં કરણ રાઠોડિયા નામના શખ્સે જૂની લેવડદેવડની અદાવત રાખીને સંદીપના પેટમાં ધારીયું ચપ્પુ હુલાવી દીધું હતું. ગંભીર રીતે ઘાયલ યુવાનને અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યો છે અને મંજુસર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

 

વડોદરા નજીક આવેલા વેમાલી ગામમાં લગ્નની ખુશીઓ અચાનક લોહિયાળ ખેલમાં ફેરવાઈ ગઈ હતી. રાત્રિના સમયે નીકળેલા લગ્નના વરઘોડામાં જૂની અદાવતનો બદલો લેવા માટે એક યુવાન પર જીવલેણ હુમલો થતાં ભારે નાસભાગ મચી ગઈ હતી. 

 

પ્રાપ્ત વિગતો અનુસાર, વેમાલી ગામમાં તળાવ પાસે રહેતા સુનિલ ડાહ્યાભાઈ રાઠોડિયા ગત રાત્રે અંબે રેસિડેન્સીની બાજુમાં આરઓ પ્લાન્ટ પાસે નીકળેલા ગામના સંદીપ ઠાકોર પરમારનો વરઘોડો જોવા ઊભો હતો. આ સમયે સામેની સાઈડ પર કરણ રમેશભાઈ રાઠોડિયા મોપેડ લઈને ઊભો હતો. તેણે સંદીપને બૂમ પાડીને પોતાની પાસે બોલાવ્યો હતો. સંદીપ જેવો તેની પાસે ગયો, કે તરત જ કરણે પોતાના મોપેડની ડીકીમાંથી એક ધારદાર ચપ્પુ કાઢીને સંદીપના પેટમાં જોરથી હુલાવી દીધું હતું. 

 

આ જીવલેણ હુમલો થતાં જ વરઘોડામાં બૂમાબૂમ અને નાસભાગ મચી ગઈ હતી. લોકો એકઠા થાય તે પહેલાં જ હુમલાખોર કરણ ચપ્પુ પાછું ડીકીમાં મૂકીને હાઇવે તરફ ભાગી છૂટ્યો હતો. લોહીલુહાણ હાલતમાં સંદીપને પ્રથમ વડોદરાની એસએસજી (SSG) હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત અત્યંત ગંભીર બતાવવામાં આવી રહી છે. 

 

સંદીપના ભાઈ મનિષે મંજુસર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ચાર વર્ષ પહેલાં કરણને તેમના મામા મેલાભાઈ સાથે પૈસાની લેવડદેવડ બાબતે ઝઘડો થયો હતો. ત્યારે સંદીપે વચ્ચે પડીને મામાને બચાવ્યા હતા. આ જ જૂની અદાવત રાખીને કરણે આ ઘાતકી હુમલો કર્યો છે.

(4:07 PM IST)