તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
ધૂળિયા ગામમાંથી ગ્લોબલ સિટી સુધીની અદભુત સફર: ગુજરાતના હૃદયસમા ગાંધીનગરે સ્થાપનાના 61 વર્ષ પૂર્ણ કરી 62 મા વર્ષમાં કર્યો મંગળ પ્રવેશ!
૨ ઓગસ્ટ ૧૯૬૫ના રોજ સાબરમતીના કિનારે મૂકાઈ હતી પ્રથમ ઈંટ; અમેરિકન આર્કિટેક્ટને નકારી ગુજરાતી શિલ્પી એચ. કે. મેવાડાએ મહાત્મા ગાંધીના વિચારો અને કમળની ભાત પર કંડાર્યું હતું પાટનગર

ગાંધીનગર : ગુજરાતનું સ્વપ્નદ્રષ્ટા પાટનગર ગાંધીનગર ૨ ઓગસ્ટના રોજ પોતાની ગૌરવશાળી સ્થાપનાના 61 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરીને 62 મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યું છે. ૨ ઓગસ્ટ ૧૯૬૫ના રોજ સાબરમતી નદીના કાંઠે ખુલ્લા ખેતરો વચ્ચે જ્યાં રાજધાનીની પ્રથમ ઈંટ મૂકાઈ હતી, તે શહેર આજે માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર ભારતનું સૌથી શ્રેષ્ઠ 'કેપિટલ સિટી', 'ગ્રીન સિટી', 'ક્લીન સિટી', 'ટ્વીન સિટી', અને 'એજ્યુકેશન સિટી' બનીને ઊભરી આવ્યું છે. આ શહેર ગુજરાતના સ્વાભિમાન અને ઉત્કૃષ્ટ આયોજનશક્તિનું જીવંત પ્રતીક છે.
મહાગુજરાત આંદોલન અને નવી રાજધાનીનો જન્મ
૧ મે ૧૯૬૦ના રોજ મહાગુજરાત આંદોલન બાદ જ્યારે ગુજરાત અલગ રાજ્ય બન્યું, ત્યારે સૌથી મોટો પ્રશ્ન નવી રાજધાની પસંદ કરવાનો હતો. તે સમયે વિકસિત અમદાવાદ શહેર ઉપલબ્ધ હોવા છતાં, તત્કાલીન નેતાઓએ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ નવું અને આયોજનબદ્ધ શહેર ઊભું કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો. ચંડીગઢ અને ભુવનેશ્વર જેવા શહેરોથી પ્રેરણા લઈને દ્વારકા, અણહિલવાડ પાટણ અને અમદાવાદ પછી ગાંધીનગર ગુજરાતના ઇતિહાસમાં નવી રાજધાની તરીકે જોડાયું.
પરદેશી સ્થાપત્યકારને નકારી ગુજરાતી શિલ્પીએ કંડાર્યું નગર
ગાંધીનગરના ઇતિહાસકાર પ્રોફેસર રવિ કાલીયાના જણાવ્યા મુજબ, શરૂઆતમાં વિશ્વવિખ્યાત અમેરિકન વાસ્તુકાર લુઈ કાનને ૧ લાખ યુએસ ડોલરની ફી સાથે જોડવાનો પ્રસ્તાવ હતો. પરંતુ રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું કે ગુજરાતની રાજધાની ભારતીય આર્કિટેક્ટ દ્વારા જ ડિઝાઇન થશે. આ જવાબદારી મહેસાણાના દેનાપ ગામના વતની અને કોર્નેલ યુનિવર્સિટીના ટાઉન પ્લાનર એચ. કે. મેવાડા (હરગોવિંદ કાળીદાસ મેવાડા) અને પ્રકાશ એમ. આપ્ટેને સોંપાઈ. તેમણે પશ્ચિમી મોડેલના બદલે મહાત્મા ગાંધીના વિચારો અને ભારતીય કળાને કેન્દ્રમાં રાખી માસ્ટર પ્લાન તૈયાર કર્યો.
કમળના સ્થાપત્ય પર વિધાનસભાગૃહ અને ૭.૫ લાખની વસ્તીનું વિઝન
ગાંધીનગરનું સ્થાપત્ય અનોખું છે; શહેરની વિધાનસભાનું આંતરિક માળખું કમળની પાંખડીઓ પર આધારિત છે. શરૂઆતમાં ૩૦ સેક્ટરો સાથે ૩ લાખ લોકો માટે આયોજન કરાયું હતું, જેને ભવિષ્યમાં ૬૦ સેક્ટર અને ૭.૫ લાખની વસ્તી સમાવી શકે તે મુજબ ડિઝાઈન કરાયું. ગુજરાતી કક્કાના અક્ષરો પરથી રસ્તાઓના નામ (ક, ખ, ગ, ઘ...) અને ૧ કિલોમીટરના ગ્રીડવાળા રસ્તાઓ તેને આયોજનબદ્ધ બનાવે છે.
રેતીના વંટોળથી ગિફ્ટ સિટી સુધીની વૈશ્વિક ઉડાન
શરૂઆતના દિવસોમાં જ્યાં માત્ર ૧૪,૦૦૦ની વસ્તી હતી અને દિવસે રેતીના વંટોળ ઊડતા હતા, તે શહેર આજે વિશ્વસ્તરીય બની ચૂક્યું છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના દુરંદેશી વિઝનથી અહીં ગિફ્ટ સિટી (GIFT City), મહાત્મા મંદિર, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેટ્રો કનેક્ટિવિટી જેવી સુવિધાઓ આવી. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગાંધીનગર વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે.
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
