<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

ઝઘડિયાના સંજાલી ગામે ભેંસ ચરાવતી ૧૧ વર્ષીય બાળકી પર દીપડાનો જીવલેણ હુમલો; પરિવારની સૂઝબૂઝથી બચ્યો જીવ

ઝાડીઓમાં છુપાઈને બેઠેલા દીપડાએ ચહેરા અને ગળા પર બચકાં ભરીને બાળકીને કરી લોહીલુહાણ, ગ્રામજનોમાં ભારે દહેશત વ્યાપી

સંજાલી : ઝઘડિયાના સંજાલી ગામે ભેંસ ચરાવવા ગયેલા પરિવારની ૧૧ વર્ષીય બાળકી પર ઝાડીઓમાં સંતાયેલા દીપડાએ અચાનક જીવલેણ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. સંજાલી ગામના પીપળી ફળિયામાં રહેતી ૧૧ વર્ષીય સજનીકા પોતાના માતા-પિતા સાથે સીમમાં ભેંસો ચરાવવા માટે ગઈ હતી, તે દરમિયાન આ આઘાતજનક ઘટના બની હતી.

દીપડાએ બાળકીના મોઢા પર પંજા મારવા સાથે ગળા, કાન અને પગના ભાગે બચકાં ભરી લેતાં બાળકી લોહીલુહાણ થઈ ગઈ હતી. બાળકીની ચીસાચીસ સાંભળીને નજીકમાં જ રહેલા પરિવારે સમયસૂચકતા વાપરીને દીપડાનો સામનો કર્યો હતો અને જોરશોરથી બૂમાબૂમ કરી પ્રતિકાર કરતાં આખરે દીપડો બાળકીને છોડીને સીમ તરફ ભાગી છૂટ્યો હતો.

દીપડાના હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી સજનીકા વસાવાને તાત્કાલિક નજીકના અવિધા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવી હતી, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ બાળકીને વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. આ ગંભીર ઘટનાને પગલે સંજાલી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે દહેશત ફેલાઈ ગઈ છે.

અગાઉ પણ આ પંથકમાં વન્યજીવોના હુમલાના બનાવો સામે આવતા રહ્યા છે, ત્યારે સ્થાનિક રહીશો દ્વારા વન વિભાગ સમક્ષ તાત્કાલિક પાંજરું મૂકીને આ દીપડાને ઝડપી લેવા અને વિસ્તારને ભયમુક્ત કરવા ઉગ્ર માંગ કરવામાં આવી છે. આગામી સમયમાં વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારીને યોગ્ય સુરક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેવી સંભાવના છે.

(1:08 AM IST)