News of Sunday, 12th July 2026
અરવલ્લીના ડેમાઈ પંથકમાં દૂધના સંગ્રહ મુદ્દે અમૂલ ફેડરેશનના નિર્ણયથી હજારો પશુપાલકોની રોજીરોટી પર સંકટના વાદળો
બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પશુપાલકોની વ્યથા સાંભળી, દૂધના ભાવ અને સંગ્રહના પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવા ડેરી તંત્રને કરી કડક રજૂઆત: છેલ્લા ૨૦ દિવસથી પશુપાલકો ભારે આર્થિક ભીંસમાં

અરવલ્લી: અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડેમાઈ પંથકમાં હાલ પશુપાલકો ગંભીર આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. અમૂલ ફેડરેશન દ્વારા દૂધના સંગ્રહ અંગે લેવાયેલા અચાનક નિર્ણયોને કારણે આ વિસ્તારના પશુપાલકોની આજીવિકા જોખમમાં મુકાઈ છે. છેલ્લા ૨૦ દિવસથી દૂધ ભરવાની પ્રક્રિયા ખોરવાઈ જતા સ્થાનિક પશુપાલકોમાં ભારે રોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
મળતી વિગતો મુજબ, ડેમાઈ પંથકની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ દ્વારા રોજનું અંદાજે ૫૦૦૦ લીટર દૂધ એકત્રિત કરવામાં આવે છે. અત્યાર સુધી આ પશુપાલકો આર્થિક ફાયદા માટે ખેડા જિલ્લાની ડેરીમાં દૂધ ભરતા હતા, કારણ કે ત્યાં સ્થાનિક સાબરડેરીની સરખામણીએ પ્રતિ લીટર ૨ રૂપિયા વધુ મળતા હતા. ખેડૂતો અને પશુપાલકો માટે આ સામાન્ય લાગતા બે રૂપિયા પણ તેમના પરિવારના ગુજરાન માટે મહત્વના હોય છે. જોકે, અમૂલ ફેડરેશન દ્વારા આ વ્યવસ્થા પર રોક લગાવી દેવામાં આવતા પશુપાલકોનો દૈનિક વ્યવસાય થંભી ગયો છે.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની અધ્યક્ષતામાં એક ખાસ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં હાજર રહેલા પશુપાલકોએ પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, દૂધ એ જ તેમના પરિવારના જીવનનિર્વાહનું એકમાત્ર સાધન છે. દૂધનું વેચાણ બંધ થવાને કારણે પશુઓના નિભાવ અને દૈનિક ખર્ચાઓ પૂરા કરવા પણ મુશ્કેલ બની રહ્યા છે.
ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પશુપાલકોની રજૂઆતને ધ્યાનથી સાંભળી અને તેમને આ મુદ્દે સરકાર તેમજ સંબંધિત ડેરી સત્તાધીશો સમક્ષ કડક રજૂઆત કરવાની ખાતરી આપી છે. પશુપાલકોની મુખ્ય માંગ સાબરડેરી દ્વારા દૂધના સારા ભાવ આપવાની અને વ્યવસ્થાને ફરીથી સુચારુ બનાવવાની છે. જો તંત્ર દ્વારા આ મામલે ત્વરિત અને સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં પશુપાલકોનું આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. હાલ તો સમગ્ર પંથકના પશુપાલકોની નજર ડેરી તંત્રના આગામી નિર્ણય પર ટકેલી છે.
(9:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
