<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

સુરતના ડુમસના ગણેશ બીચ પર ન્હાવા પડેલા બે કિશોરો પૈકી એક કિશોર દરિયામાં ડૂબી ગયો: શોધખોળ શરૂ

ભરતીના કારણે પાણી ઊંડું હોવાથી કિશોર પાણીના પ્રવાહમાં ખેંચાઈ ગયો: અન્ય કિશોર બહાર નીકળી ગયો:ડુમસ પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યા : દરિયામાં શોધખોળ શરૂ

સુરતના ડુમસના ગણેશ બીચ પર દરિયામાં ન્હાવા પડેલા બે કિશોરો પૈકી એક કિશોર પાણીમાં ડૂબી જતાં ચકચાર મચી ગઈ છે. બંને કિશોરો દરિયામાં ન્હાવા માટે ઉતર્યા હતા.  આ દરમિયાન ભરતીના કારણે દરિયામાં પાણીનું સ્તર વધેલું અને ઊંડા પાણીમાં જતા બંને કિશોરો મુશ્કેલીમાં મુકાયા હતા.

મળતી માહિતી મુજબ, ન્હાવા દરમિયાન અચાનક પાણીનો પ્રવાહ વધતા એક કિશોર પાણીમાંથી બહાર નીકળી આવ્યો હતો અને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. જ્યારે અન્ય એક કિશોર પાણીના પ્રવાહમાં ખેંચાઈ જતાં દરિયામાં ગરકાવ થયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

 

 

ઘટનાની જાણ થતાં જ ડુમસ પોલીસ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. દરિયામાં કિશોર ગરકાવ થયો હોવાની માહિતી મળતા ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ટીમ દ્વારા દરિયામાં કિશોરની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

 

 

ડુમસના ગણેશ બીચ પર ભરતીના કારણે દરિયામાં પાણીનો પ્રવાહ અને ઊંડાઈ વધી ગઈ હતી. આવી સ્થિતિમાં કિશોર પાણીમાં ખેંચાઈ ગયો હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. ફાયર વિભાગની ટીમ દ્વારા બોટ અને અન્ય રેસ્ક્યૂ સાધનોની મદદથી દરિયામાં કિશોરને શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

 

કિશોર દરિયામાં ડૂબી જવાની ઘટનાને પગલે પરિવારજનોમાં ચિંતા વ્યાપી છે. ફાયર વિભાગ દ્વારા કિશોરને શોધવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ડુમસ પોલીસ પણ સમગ્ર ઘટનાની વિગતો મેળવી રહી છે અને બંને કિશોરો કયા સંજોગોમાં દરિયામાં ન્હાવા પડ્યા હતા તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

(11:51 PM IST)