News of Tuesday, 28th July 2026
અમદાવાદમાં આકાશી આફત વચ્ચે AMCના 13,000થી વધુ કર્મચારીઓએ 72 કલાકથી અવિરત ખડેપગે
તાવ, બીમારી અને ઘરની મુશ્કેલીઓ ભૂલીને શહેરના રસ્તા અને બ્રિજ ખુલ્લા કરાવનારા કર્મચારીઓની પ્રેરણાદાયી કહાની

અમદાવાદમાં પડેલા અતિભારે વરસાદે આખા શહેરને જળબંબાકાર કરી દીધું હતું. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, રસ્તાઓ બંધ થઈ ગયા અને સામાન્ય જનજીવન થંભી ગયું હતું. પરંતુ જ્યારે મોટાભાગના નાગરિકો ઘરમાં સુરક્ષિત હતા, ત્યારે શહેરને ફરીથી ધબકતું કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના 13,000થી વધુ કર્મચારીઓ અને 590થી વધુ ટીમો સતત 72 કલાક સુધી મેદાનમાં અડીખમ ઊભી હતી.
આ કામગીરી માત્ર સરકારી ફરજ નહોતી, પણ સમર્પણની પરાકાષ્ઠા હતી. પરિવાર કરતા શહેરને પ્રથમ સ્થાને રાખનારા આ 'અનસંગ હીરો'ની 9 એવી પ્રેરણાદાયી વાર્તાઓ, જે જાણીને દરેક અમદાવાદીનું મસ્તક ગર્વથી ઝૂકી જશે:
પૂર્વ ઝોનના ઓઢવ વોર્ડના આસિસ્ટંત સિટી એન્જિનિયર વિટ્ઠલભાઈ ગોહિલને તાજેતરમાં જ કિડની સ્ટોનનું ઓપરેશન થયું હતું અને બંને કિડનીની નળીમાં સ્ટેન્ટ મૂકેલું હતું. તબીબોએ આરામની સલાહ આપી હતી, છતાં શહેરમાં જળબંબાકાર થતાં તેઓ મેડિકલ લીવ છોડીને મેદાનમાં ઉતરી પડ્યા. પોતે સ્થળ પર રહીને કાદવ અને પાણીનો નિકાલ કરાવ્યો તથા રાત-દિવસ ફોન પર ટીમનું માર્ગદર્શન કરતા રહ્યા.
મધ્ય ઝોનના સેનેટરી ઇન્સ્પેક્ટર બાબુભાઈ સોલંકીના પિતા ફેફસાંની ગંભીર બીમારીથી પીડાતા હતા. રાત્રે ઇમરજન્સી ડ્યુટીનો કોલ આવતા જ તેમણે પિતાની સંભાળ પરિવારને સોંપી અને કમર સુધીના પાણીમાંથી પસાર થઈ શાહપુર પહોંચ્યા. શાહીબાગ ડફનાળામાં કેચપીટ સાફ કરાવી વહેલી સવારે 5 વાગ્યા સુધી સતત કચરો અને કાદવ સાફ કરાવ્યો.
જમાલપુર વોર્ડના સેનેટરી ઇન્સ્પેક્ટર દિપક રાવલ ઘરે પહોંચ્યા ત્યારે પોતાના ઘરમાં કમર સુધી પાણી હતા અને 5 વર્ષના દીકરાની તબિયત ખરાબ હતી. પરંતુ સ્પેશિયલ ડ્યુટીનો મેસેજ આવતા જ તેઓ સાબરમતી વિસ્તારમાં પહોંચ્યા અને કમર સુધીના પાણીમાં ફસાયેલી ગર્ભવતી મહિલાઓ અને બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સિનિયર સુપરિન્ટેન્ડન્ટ જે.સી. પટેલના પોતાના ઘરમાં 3થી 4 ફૂટ પાણી ભરાયેલું હતું. છતાં તેઓ રાતભર મધ્ય ઝોનની સફાઈમાં રોકાયેલા રહ્યા. માહિતી મળતા જ તેઓ જાતે સાધનો સાથે શાહીબાગ અંડરબ્રિજ પહોંચ્યા અને ગણતરીની 30 મિનિટમાં જ અંડરબ્રિજ સાફ કરીને વાહનવ્યવહાર ચાલુ કરી દીધો.
પશ્ચિમ ઝોનના પબ્લિક હેલ્થ સુપરવાઇઝર કમલકિશોર પરમાર સતત 36 કલાક સુધી પરિવારથી દૂર રહીને રોડ પર રહ્યા. તેમણે મીઠાખળી અને પરિમલ અંડરપાસમાં ભરાયેલા પાણીનો નિકાલ કરવા ફાયર બ્રિગેડ સાથે સંકલન સાધીને માર્ગો ઝડપથી શરૂ કરાવ્યા.
સેનેટરી ઇન્સ્પેક્ટર વિપુલકુમાર યોગીના ઘર બહાર અને આખી સોસાયટીમાં પાણી ભરાયેલું હતું. પરિવારની ચિંતા વચ્ચે પણ તેઓ આખી રાત શહેરના રસ્તાઓ પરથી ગંદકી દૂર કરવા અને રોગચાળો ન ફેલાય તે માટે જંતુનાશક પાવડરનો છંટકાવ કરાવતા રહ્યા.
દક્ષિણ પશ્ચિમ ઝોનના એડિશનલ સિટી એન્જિનિયર સંજય સુથાર છેલ્લા 4 દિવસથી આફત વચ્ચે સતત મેદાનમાં હતા અને આ સમય દરમિયાન માત્ર 2-3 કલાક જ ઘરે જઈ શક્યા હતા. પોતાના દીકરાના શિક્ષણ સંબંધિત મહત્વના કાર્યક્રમમાં જવાને બદલે તેમણે પત્નીને એકલા મોકલ્યા અને પોતે રાહત કામગીરીનું નેતૃત્વ કરતા રહ્યા.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર ડૉ. વિજય મિસ્ત્રીને સતત બે દિવસથી 102 ડિગ્રી તાવ હતો. આરામ કરવાને બદલે તેમણે તમામ 7 ઝોનમાં 960 વધારાના કર્મચારીઓ અને 480 વાહનો સાથે કચરો ઉપાડવાનું આયોજન કર્યું. સાથે જ 95થી વધુ ડી-વોટરિંગ પંપ મુકાવી પાણી ઉલેચવાની કામગીરીનું સતત મોનિટરિંગ કર્યું.
ચીફ એન્જિનિયર ઋષિ પંડ્યાના પોતાના ઘરમાં પાણી ભરાયેલા હતા અને તેમની તબિયત પણ નાજુક હતી. છતાં તેઓ પાલડી કંટ્રોલ રૂમમાં સતત હાજર રહ્યા. ક્યાં પમ્પિંગની જરૂર છે અને ક્યાં ટીમો મોકલવી તેની સતત દેખરેખ રાખીને તેમણે પરિસ્થિતિને ઝડપથી સામાન્ય બનાવી દીધી.
બીજા દિવસે જ્યારે અમદાવાદના રસ્તાઓ ચોખ્ખા દેખાયા, અંડરબ્રિજ પર વાહનો દોડતા થયા અને પાણી ઓસર્યા, ત્યારે ખૂબ ઓછા લોકોને ખબર હતી કે આ સામાન્ય સ્થિતિ પાછળ હજારો કર્મચારીઓનો અનિંદ્રાભર્યો ઉજાગરો અને વ્યક્તિગત ત્યાગ છુપાયેલો હતો. AMCના આ તમામ કર્મચારીઓએ સાબિત કરી દીધું કે સેવા એ માત્ર નોકરી નથી, પણ એક પરમ ધર્મ છે.
(11:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
