તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં મોટો પલટો આવશે :બે દિવસ બાદ કમોસમી વરસાદ પડવાની સંભાવના
અમરેલી અને ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા: અરવલ્લી અને દાહોદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી માવઠું પડી શકે

અમદાવાદ :ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે આગામી દિવસો માટે મહત્વની આગાહી કરી છે. રાજ્યમાં અત્યારે ગરમીનો પ્રકોપ યથાવત છે, પરંતુ આગામી 19 અને 20 એપ્રિલના રોજ વાતાવરણમાં મોટો પલટો આવવાની અને કમોસમી વરસાદ (માવઠું) પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતો અને માછીમારો માટે આ આગાહી ચિંતાનો વિષય બની છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 3 દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. આ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. જોકે, 3 દિવસ બાદ ગરમીના પારામાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે, જેનાથી કાળઝાળ ગરમીમાંથી સામાન્ય રાહત મળશે.
હાલમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાની શક્યતા છે. ખાસ કરીને 18 એપ્રિલ સુધી રાજ્યમાં ભેજવાળા પવનોનું જોર રહેશે. આ પવનોને કારણે બફારો અને અકળામણ વધી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના રહીશોને ગરમી સાથે અસહ્ય ભેજનો સામનો કરવો પડી શકે છે.
હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે 19 એપ્રિલથી વાતાવરણના મિજાજમાં મોટું પરિવર્તન આવશે. અમરેલી અને ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા. અરવલ્લી અને દાહોદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી માવઠું પડી શકે છે.
ઉનાળાના આ દિવસોમાં જ્યારે ખેડૂતોનો તૈયાર પાક ખેતરોમાં અથવા માર્કેટ યાર્ડમાં પડ્યો હોય, ત્યારે આ પ્રકારની વરસાદી આગાહી મુશ્કેલી ઉભી કરી શકે છે. ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પોતાના પાકને સુરક્ષિત સ્થાને ખસેડી લે અથવા તાડપત્રીથી ઢાંકી દે જેથી નુકસાનથી બચી શકાય.
(8:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
