<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

ભણતરના ભારે દબાણ વચ્ચે વડોદરાના ૧૯ વર્ષીય આશાસ્પદ યુવકનો ગળેફાંસો: "મમ્મી-પપ્પા સોરી, હું ભૂતની જેમ જીવું છું...", ૬ પાનાની હૃદયદ્રાવક ચિઠ્ઠી અને વીડિયો બનાવી જીવન ટૂંકાવ્યું

પોલિટેક્નિકના પ્રથમ વર્ષમાં નાપાસ થતાં ભારે માનસિક તણાવમાં આવેલા વિદ્યાર્થીએ અંતિમ પગલું ભર્યું; કુરિયર બોયના ફોન બાદ માતા ત્રીજા માળે તપાસ કરવા જતાં જ કાળજું કંપાવી દેતી ઘટના સામે આવી

વડોદરા, તા.૧૮: અભ્યાસનું વધતું જતું ભારણ અને સફળ થવાનું માનસિક દબાણ આજકાલના યુવાધનને કઈ હદે ખોટા પગલાં ભરવા મજબૂર કરી રહ્યું છે, તેનો વધુ એક કાળજું કંપાવી દેતો કિસ્સો વડોદરા શહેરમાંથી સામે આવ્યો છે. શહેરના આજવા રોડ પર આવેલી ચામુંડા નગર-૨ સોસાયટીમાં રહેતા ૧૯ વર્ષીય પોલિટેક્નિકના વિદ્યાર્થીએ પોતાના જ ઘરના ત્રીજા માળે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મૃતક યુવકની ઓળખ કિરણ મકવાણા તરીકે થઈ છે, જે પોલિટેક્નિકના પ્રથમ વર્ષના બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો. કિરણના આ આઘાતજનક પગલાંથી પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે.
એક કુરિયરના ફોન પાછળ છુપાયેલું હતું આખું રહસ્ય
શનિવારનો એ દિવસ મકવાણા પરિવાર માટે કાળો દિવસ સાબિત થશે એવી કોઈને કલ્પના પણ નહોતી. બપોરે આશરે ૨:૦૦ વાગ્યે કિરણ હંમેશની જેમ શાંતિથી જમીને ઘરના ત્રીજા માળે ગયો હતો. સાંજે અંદાજે ૫:૦૦ વાગ્યે કિરણનું એક પાર્સલ આવ્યું હોવાથી કુરિયર બોય તેને સતત ફોન કરી રહ્યો હતો. પરંતુ કિરણે વારંવાર ફોન ન ઉપાડતાં, તેની માતા ચિંતાતુર થઈને તેને જોવા માટે ત્રીજા માળે ગઈ હતી. રૂમનો નજારો જોતાં જ માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી; કિરણ હૂક પર દોરી વડે ફાંસો ખાધેલી હાલતમાં લટકતો હતો. બૂમાબૂમ થતાં પરિવારજનો તેને તાત્કાલિક સયાજી હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું અને તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
૬ પાનાની ચિઠ્ઠીમાં છલકાઈ અંદરની મનોવેદના
મૃત્યુને વહાલ કરતાં પહેલાં કિરણે માતા-પિતા, નાના ભાઈ અને પોતાની માનેલી બહેનને સંબોધીને ૬ પાનાની એક અત્યંત હૃદયદ્રાવક સુસાઈડ નોટ લખી હતી. આ ચિઠ્ઠીમાં તેનું દર્દ સાફ ઝીલાતું હતું. તેણે લખ્યું કે, "સોરી મમ્મી-પપ્પા, મારું આખું શરીર અંદરથી તૂટે છે. મને લાગે છે કે, હું ભૂતની જેમ જીવું છું. આ ભણવાનું મારાથી થતું નથી. મેં શોર્ટકટ લેવામાં બધા નિર્ણયો ખોટા લીધા અને કોલેજમાં નાપાસ થયો." કિરણે છેલ્લી ઘડીએ પણ માતા-પિતાને અંદરોઅંદર ન ઝઘડવા અને શાંતિથી રહેવા માટે આજીજી કરી હતી.
નાના ભાઈને શિખામણ અને બહેનને મોકલ્યા આખરી વીડિયો
કિરણે માત્ર ચિઠ્ઠી જ નહીં, પરંતુ આપઘાત પૂર્વે ધોરણ ૧૨માં ભણતા પોતાના નાના ભાઈ દેવને પણ એક મોટી જવાબદારી સોંપી હતી. તેણે લખ્યું, "તું મમ્મી-પપ્પાને હિંમત આપજે, ક્યારેય તેમની સામે બોલતો નહીં અને ભણીને સારી નોકરી કરજે."
આ ઉપરાંત, તેણે જીવન ટૂંકાવતા પહેલાં પોતાની માનેલી બહેનને ૮ મિનિટ, ૧ મિનિટ અને ૩૫ સેકન્ડના એવા ત્રણ ભાવુક વીડિયો મેસેજ મોકલ્યા હતા. વીડિયોમાં તેણે કહ્યું કે, "મેં તને બહુ હેરાન કરી છે, તારા જેવી બેસ્ટ બહેન કોઈ નહોતી." આ વીડિયો જોતાં જ બહેનના હોશ ઉડી ગયા હતા અને તેણે કિરણને ફોન પર સમજાવવાનો આખરી પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ કાળ આગળ તે નિષ્ફળ રહી.
હાલમાં આ મામલે બાપોદ પોલીસે યુવકનો મોબાઈલ ફોન અને ૬ પાનાની સુસાઈડ નોટ કબજે લીધી છે. પોલીસે આ ત્રણેય વીડિયોને ટેકનિકલ એનાલિસિસ (FSL) માટે મોકલી આપીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર શિક્ષણ જગત અને વાલીઓ સામે બાળકોના માનસિક સ્વાસ્થ્યને લઈને મોટા સવાલો ઉભા કર્યા છે.

(3:43 PM IST)