<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

ભારે આફત વચ્ચે અમદાવાદ મનપાએ પાથરી જીવદયાની મહેક! થલતેજમાં ફસાયેલા મોરનું દિલધડક રેસ્ક્યુ, તળાવમાં માછલીઓ માટે સિલિન્ડરથી ઓક્સિજન અપાયો

વરસાદી પાણી વચ્ચે મૂંગા પશુ-પક્ષીઓ અને જળચરોનો જીવ બચાવી તંત્રએ આપ્યું માનવતાનું ઉત્તમ ઉદાહરણ, વરસાદ અસરગ્રસ્તો માટે 8,900થી વધુ ફૂડ પેકેટનું કરાયું વિતરણ

અમદાવાદ : અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસમાં વરસેલા મૂષળધાર વરસાદે ચોતરફ જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી હતી. હાલ વરસાદે વિરામ લેતાં જ અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા જનજીવન પૂર્વવત બનાવવાની કામગીરી પુરજોશમાં શરૂ કરાઈ છે. પરંતુ આ રાહત કામગીરી વચ્ચે AMCની ટીમ દ્વારા માનવતા, જીવદયા અને પર્યાવરણ રક્ષણની એક એવી મિશાલ કાયમ કરવામાં આવી છે, જેની આજે આખા શહેરમાં વાહ-વાહ થઈ રહી છે.
બનાવની વિગત એ છે કે, શહેરના થલતેજ વિસ્તારમાં ભારે વરસાદી પાણી અને મુશ્કેલીમાં એક મોર ફસાયો હતો. ઘટનાની જાણ થતાં જ AMCના ફાયર વિભાગ અને ગાર્ડન વિભાગની ટીમે તાબડતોબ સ્થળ પર પહોંચીને સચોટ સંકલન દ્વારા મોરનું સફળ રેસ્ક્યુ કર્યું હતું. આપત્તિની આ ઘડીમાં પણ મૂંગા પક્ષી પ્રત્યે દર્શાવેલી આ સંવેદનશીલતા બદલ મેયર હિતેશ બારોટ અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ફાયર અને ગાર્ડન વિભાગની આખી ટીમને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા.
જીવદયાનો આ સિલસિલો અહીં જ ન અટક્યો! વરસાદને કારણે શહેરના એક તળાવમાં જળચર જીવોના અસ્તિત્વ પર ખતરો ઊભો થયો હતો. પાણીમાં ઓગળેલા ઓક્સિજનનું પ્રમાણ ઘટી જતાં માછલીઓનું રક્ષણ કરવા માટે AMCના આરોગ્ય વિભાગે અનોખો કસબ અજમાવ્યો હતો. ટીમે ઓક્સિજન સિલિન્ડરની મદદથી તળાવના પાણીમાં એરેશન (વાયુમિશ્રણ) પ્રક્રિયા હાથ ધરીને તળાવનું પર્યાવરણીય સંતુલન જાળવી હજારો માછલીઓના જીવ બચાવી લીધા હતા.
આ ઉપરાંત, પૂર અને જળબંબાકારની અસર હેઠળ આવેલા નીચાણવાળા વિસ્તારના નાગરિકો માટે પણ તંત્ર દેવદૂત સાબિત થયું છે. મનપા દ્વારા રાહત કામગીરી હેઠળ અસરગ્રસ્ત વિસ્તારોમાં અત્યાર સુધીમાં 8,900થી વધુ ફૂડ અને નાસ્તાના પેકેટોનું વિતરણ કરી લોકોની જઠરાગ્નિ ઠારવામાં આવી છે.

(7:18 PM IST)