તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Wednesday, 7th October 2026
અમેરિકન સિટીઝન ગુજરાતી મહિલાએ લફરાબાજ પતિ સામે ફરિયાદ નોંધાવી
રંગીન મિજાજી પતિ યતિન શાહ એક ડઝનથી પણ વધુ મહિલા સાથે અફેર ધરાવે છે અને અનેકની સાથે તે લગ્ન પણ કરી ચૂકયો છે

અમદાવાદ તા.૭: અમેરિકન સિટીઝનશિપ ધરાવતા અને અમદાવાદના એક આધેડ સાથે લગ્ન કરનારા ગુજરાતી મહિલાએ પોતાના પતિ અને બે સાવકા સંતાનો વિરૃદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીનો આક્ષેપ છે કે તેમનો રંગીન મિજાજી પતિ યતિન શાહ એક ડઝનથી પણ વધુ મહિલા સાથે અફેર ધરાવે છે અને અનેકની સાથે તે લગ્ન પણ કરી ચૂકયો છે. તેમને જ્યારે પતિની આ કરતૂતોની જાણ થઈ ત્યારે તેમના પર ત્રાસ ગુજરાવાનો શરૃ કરવાની સાથે દહેજની પણ ડિમાન્ડ કરવામાં આવી. પતિ સુધરી જશે તેવી આશાએ શરૃઆતમાં તેમણે બધું મૂંગા મોઢે સહન કર્યું પરંતુ સહનશકિતની મર્યાદા આવી જતાં આખરે તેમણે ફરિયાદ નોંધાવતા પોતાના ૬૧ વર્ષીય પતિ સામે ચોંકાવનારા આરોપ લગાવ્યા છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર અમદાવાદમાં જન્મેલા આ મહિલા પરિવાર સાથે અમેરિકા ગયા હતા અને ત્યાં જ તેમના પહેલાં લગ્ન થયા હતા. જોકે, ૨૦૧૫માં પહેલા પતિથી ડિવોર્સ થયા બાદ તેમણે ૨૦૧૮માં બીજાં લગ્ન કર્યા હતા પરંતુ તે વખતે પણ ખરાબ પાત્ર મળી જતાં લગ્નજીવન શરૃ કરતા પહેલા જ તેમણે ડિવોર્સનો કેસ કરી દીધો હતો. આખરે ૨૦૨૩માં શાદી.કોમ પર તેમની મુલાકાત પોતાના હાલના પતિ યતિન શાહ સાથે થઈ હતી અને બંને વચ્ચે વાતચીતનો સિલસિલો શરૃ થયા બાદ ઓગસ્ટ ૨૦૨૪માં તેમણે હિન્દુ રિતરિવાજ અનુસાર લગ્ન કરી લીધા હતા. ૬૧ વર્ષના યતિન શાહને અગાઉના લગ્નથી એક દીકરો અને એક દીકરી હતા, લગ્ન બાદ ફરિયાદી મહિલા પોતાના માતાપિતા અને સંબંધીઓ પાસેથી મળેલી ગિફટ્સ તેમજ સોનાનાં દાગીના સહિતની નાની-મોટી વસ્તુઓ અને સાથે જ ત્રીસ હજાર ડોલર કેશ લઈને પતિના ઘરે રહેવા માટે ગયા હતા.
લગ્નની શરૃઆતમાં આ મહિલા મકરબામાં આવેલા ફલેટમાં પતિ અને સાસુ સાથે રહેતા હતા, પંદરેક દિવસ સુધી બધું સારું ચાલ્યું હતું પરંતુ પતિ ફોન પર સતત લાંબી-લાંબી વાતો કરતો હોવાથી તેમને શંકા જતાં પોતાની રીતે જ તેની તપાસ શરૃ કરી ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે તેમનો પતિ અલગ-અલગ સ્ત્રીઓ સાથે સંબંધો ધરાવે છે. પતિના ફોનમાં છોકરીઓના નંબર જોઈ આ બાબતે તેમણે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમની સાથે ગાળાગાળી કરી મારઝૂડ પણ કરાઈ હતી તેવું ફરિયાદમાં જણાવાયું છે. જોકે, પોતાના ત્રીજા લગ્ન હોવાથી ચૂપચાપ બધું સહન કરી તેમણે વાત જતી કરી હતી, તેમનો એવો પણ આક્ષેપ છે કે પતિના સંતાનો બોપલમાં તેમની માતા સાથે રહેતા હતા અને જ્યારે પણ તેઓ પિતાના ઘરે આવતા ત્યારે ગાળાગાળી કરી મારી નાખવાની ધમકી આપતા જેથી પતિએ તેમને સાથે રાખવાને બદલે અલગ-અલગ જગ્યાએ ભાડાંના મકાનમાં રાખવાનું શરૃ કર્યું હતું.
ફરિયાદીના જણાવ્યા અનુસાર ડિસેમ્બર ૨૦૨૪માં પતિ તેમને ગોવા ફરવા લઈ ગયો હતો પરંતુ ત્યાં જુગારમાં બધા પૈસા હારી જતાં તેણે પત્ની પર બધો ગુસ્સો કાઢ્યો હતો. આ જ હોટેલના સ્ટાફ મારફતે ફરિયાદીને એવું જાણવા મળ્યું હતું કે તેમનો પતિ અલગ-અલગ સ્ત્ર્ીઓ સાથે અવારનવાર આ હોટેલમાં આવતો-જતો રહે છે. ત્યારબાદ જ્યારે ફરિયાદીને તેમનો પતિ બાલિ ફરવા લઈ ગયો ત્યારે પણ છોકરીઓ સાથે ચેટ કરવાના મામલે પત્નીએ સવાલ પૂછતા તેણે ફરી બબાલ કરી હતી. તેઓ ઈન્ડિયા પાછા આવ્યા ત્યારે પણ છોકરીઓની બાબતે જ ઝઘડો થતાં પતિએ ગાળો આપવાની સાથે પોતાનો હાથ મચેડી નાખ્યો હતો તેવો ફરિયાદીનો આક્ષેપ છે. આ દરમિયાન વિકિટમના પિતાએ ૨૦૨૫માં જે દુકાન વેચી હતી તેના પૈસા પણ આરોપીએ માગવાનું શરૃ કર્યું હતું, દહેજની માગણીથી કંટાળીને આ મહિલાએ ૨૦૨૫માં પોલીસમાં અરજી આપી હતી પરંતુ પતિએ માફી માગી લેતા મામલો પૂરો થઈ ગયો હતો.
ફરિયાદીનો આક્ષેપ છે કે તેમનું સોનું પતિએ બેંકના લોકરમાં મૂકવાના બહાને સગે-વગે કરી નાખ્યું છે અને અનેકવાર ડિમાન્ડ કર્યા બાદ પણ આ જ દિન સુધી તેમને પોતાનું સોનું પરત નથી મળ્યું. થોડા દિવસો પહેલા જ પતિ સૂઈ રહ્યો હતો ત્યારે તેનો ફોન ચેક કરતા વિકિટમને તેમાંથી મહિલાઓ સાથેની ગંદી ચેટ્સ મળી આવી હતી. તેમણે આ અંગે પોતાના પતિ અને સાવકા દીકરા-દીકરીને સાથે બેસાડીને વાત કરી ત્યારે ત્રણેયે એકસંપ થઈ મહિલા સાથે ઝઘડો કરી તેમને ઘરમાંથી નીકળી જવા મજબૂર કર્યા હતા. આખરે આ મહિલા પતિના ઘરમાંથી નીકળીને બીજે રહેવા ચાલ્યા ગયા હતા પરંતુ તેમણે મહિલા પોલીસ સ્ટેશને અરજી આપતા પતિએ ફરી માફી માગી પોતાને એક ચાન્સ આપવા વિનંતી કરી હતી. ફરી પતિની વાતોમાં આવી ગયેલા આ મહિલા સપ્ટેમ્બર ૨૦૨૬માં જ તેની સાથે ઉદયપુર ગયા હતા પરંતુ ત્યાં પણ તેમની વચ્ચે ફરી મોટી બબાલ થતાં આખરે તેમણે આ બાબતે મહિલા પોલીસ સ્ટેશન પશ્ચિમમાં દહેજ પ્રતિબંધિત અધિનિયમ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે જેમાં તેના પતિ યતિન શાહની સાથે સાવકા દીકરા ઉત્સવ અને સાવકી દીકરી રુતુજાને આરોપી તરીકે દર્શાવાયા છે
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
