<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th August 2026

અંબાલાલ પટેલની ધમાકેદાર આગાહી: ઓગસ્ટના અંતમાં બંગાળની ખાડીમાં સર્જાશે રોડ્રે સિસ્ટમ, 24 થી 28 તારીખ વચ્ચે ગુજરાતને ધમરોળશે મુશળધાર વરસાદ!

સૌરાષ્ટ્ર અને કચ્છના બળતા ખેડૂતો માટે આશ્વાસન રૂપ સમાચાર: 13 સપ્ટેમ્બર પછી ગરમીના પારા સાથે પાછોતરો વરસાદ વિઘ્નહર્તા ગણેશ ચતુર્થી અને ઓક્ટોબર સુધી જળબંબાકાર કરશે.

અમદાવાદ: તા.15 ઓગસ્ટના રોજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદના આગામી રાઉન્ડને લઈને મોટી અને રાહતરૂપ આગાહી કરી છે. જૂન અને જુલાઈના બે ધમાકેદાર રાઉન્ડ બાદ ઓગસ્ટ મહિનાના પ્રારંભિક દિવસોમાં માત્ર હળવાથી મધ્યમ ઝાપટાં પડતાં પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા હતા. જોકે, હવે બંગાળના ઉપસાગરમાં એક નવી અને મજબૂત સિસ્ટમ આકાર લઈ રહી છે, જે ટૂંક સમયમાં જ ગુજરાતમાં મેઘરાજાની વિધિવત સવારી તાણી લાવશે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 24 ઓગસ્ટની આસપાસ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમનો ટ્રફ મધ્ય પ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધશે, જેના કારણે 24 થી 28 ઓગસ્ટ દરમિયાન ઉત્તર-પૂર્વ ગુજરાત સહિત રાજ્યના અનેક ભાગોમાં મુશળધાર વરસાદ પડવાની પૂર્ણ શક્યતા છે. તે પૂર્વે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની સરહદને અડીને આવેલા વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના ઝાપટાં વરસશે, જેને લીધે નર્મદા નદીનું જળસ્તર પણ નોંધપાત્ર રીતે વધી શકે છે.

ચિંતાની વાત એ છે કે આ વખતે ગુજરાતમાં ચોમાસાનો પાછોતરો વરસાદ અત્યંત રૌદ્ર અને ભારે રહેવાનો અંદાજ છે. સપ્ટેમ્બર મહિનામાં પણ એક પછી એક નવી વરસાદી સિસ્ટમો સક્રિય રહેશે, જેમાં ખાસ કરીને 9 થી 12 સપ્ટેમ્બર વચ્ચે ભારે વરસાદના ઝાપટાં પડશે. ત્યારબાદ 13 સપ્ટેમ્બરથી થોડા દિવસો માટે ઉકળાટ અને ગરમી વધશે, જે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ફરી મોટી હલચલ પેદા કરશે. પરિણામે, શ્રાવણના વદ પક્ષથી લઈને ગણેશોત્સવ અને 5 ઓક્ટોબર બાદ દરિયાકાંઠે ફંુકાનારા ચક્રવાતી પવનો સાથે ઓક્ટોબરના અંત સુધી વરસાદી માહોલ જળવાયેલો રહેશે.

(7:18 PM IST)