તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th May 2026
અંબાલાલ પટેલની મોટી આગાહી: કાળઝાળ ગરમીથી ત્રસ્ત ગુજરાતીઓને મળશે મોટી રાહત, 5 મેથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં પવન-વંટોળ સાથે વરસાદના ઝાપટાં પડશે
ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 7 મે સુધી હવામાન અસ્થિર રહેશે; 11થી 20 મે દરમિયાન ફરી તાપમાન 44 ડિગ્રીને પાર જશે, 23 મે આસપાસ બીજો પ્રિ-મોન્સૂન રાઉન્ડ આવશે

અમદાવાદ તા.૧૪ : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતીઓ માટે રાહતના સમાચાર આપ્યા છે. તેમની આગાહી મુજબ *5 મેથી ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સક્રિય થશે*, જેના કારણે ગરમીનું જોર ધીમે ધીમે ઘટશે અને લોકોને લૂ થી રાહત મળશે.
5 થી 7 મે: પવન-વંટોળ સાથે માવઠાની શક્યતા
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 5 મેથી રાજ્યના અનેક વિસ્તારોમાં જોરદાર પવન, વંટોળ અને ગાજવીજ સાથે હળવો વરસાદ અથવા માવઠું જોવા મળી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હવામાનમાં અચાનક ફેરફાર થવાની સંભાવના છે. આ પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના કારણે રાજ્યમાં ચાલી રહેલી ગરમીમાં નોંધપાત્ર ઘટાડો થશે. 5 મેથી 7 મે દરમિયાન હવામાન અસ્થિર રહેશે અને કેટલાક વિસ્તારોમાં ધૂળભર્યા વંટોળ પણ ફૂંકાઈ શકે છે.
હાલ ગરમીનો પારો 40ને પાર, રાજકોટમાં 42.4 ડિગ્રી
ગુજરાતમાં હાલ અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર પહોંચી ગયું છે. અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં લૂ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. રાજકોટમાં તો તાપમાન 42.4 ડિગ્રી સુધી પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.
મે મહિનામાં ફરી હીટવેવ જેવી સ્થિતિ સર્જાશે
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે 11 થી 20 મે દરમિયાન રાજ્યમાં ગરમીનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધશે. મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તાપમાન 43 થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જેવા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ તાપમાન આ જ સ્તરે પહોંચવાની શક્યતા છે. જ્યારે કચ્છ વિસ્તારમાં તાપમાન 42 ડિગ્રી સુધી જઈ શકે છે. આથી આવનારા દિવસોમાં હીટવેવ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
23 મે આસપાસ ફરી પ્રિ-મોન્સૂન રાઉન્ડ, રોહિણી નક્ષત્ર નક્કી કરશે ચોમાસું
હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર *23 મે આસપાસ પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ફરી વરસાદ જોવા મળી શકે છે*. 25 મેથી 7 જૂન વચ્ચે આવતું રોહિણી નક્ષત્ર પણ હવામાન માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો રોહિણી નક્ષત્રની શરૂઆતમાં વરસાદ આવે તો પવન સાથે વરસાદ પાછો ખેંચાઈ શકે છે. પરંતુ અંતિમ તબક્કામાં વરસાદ થાય તો તે સારા ચોમાસાના સંકેત ગણાય છે. 25 મે આસપાસ દક્ષિણ ભારતના અંતિમ છેડે ચોમાસું પ્રવેશ કરવાની શક્યતા છે. સાથે જ 15 મે બાદ અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગર સક્રિય બનશે, જેના કારણે વાવાઝોડું સર્જાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ખેડૂતો માટે સૂચના: પાકને નુકસાનની ભીતિ
આ પ્રિ-મોન્સૂન પ્રવૃત્તિ ખેડૂતો માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ખાસ કરીને ઉનાળુ પાક અને જમીન તૈયાર કરવાની પ્રક્રિયામાં આ હવામાન ફેરફાર અસરકારક બની શકે છે. જોકે પવન અને વંટોળને કારણે કેટલાક વિસ્તારોમાં ઉભા પાકને નુકસાનની શક્યતા પણ નકારી શકાય તેમ નથી.
(3:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
