તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th September 2026
અરવલ્લીના ભિલોડામાં અદ્ભુત 'શિવદર્શન' પ્રદર્શનનો પ્રારંભ: માત્ર લાલ અને કાળા રંગથી કંડારાયા દ્વાદશ જ્યોતિર્લિંગના ૨૭૫ દિવ્ય ચિત્રો
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભિલોડાના પ્રાચીન ભુવનેશ્વર મહાદેવ મંદિરમાં અમદાવાદના પ્રખ્યાત શિવભક્ત દ્વારા આયોજિત ત્રણ દિવસીય અનોખા ચિત્ર પ્રદર્શનનો શુભારંભ થયો છે.

ભિલોડા : અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મઉં ખાતે આવેલા અતિ પ્રાચીન શ્રી ભુવનેશ્વર મહાદેવ (જૂના ભવનાથ મહાદેવ) મંદિરમાં શનિવારે સવારે ૧૦ કલાકે પવિત્ર શ્રાવણ માસના અવસરે દેશના દ્વાદશ જ્યોતિર્લિંગની દિવ્ય અનુભૂતિ કરાવતા અનોખા ‘શિવદર્શન’ ચિત્ર પ્રદર્શનનો ભક્તિસભર વાતાવરણમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં પાન પાર્લરનો સામાન્ય વ્યવસાય કરતા અને કોઈપણ પ્રકારની વ્યાવસાયિક કલા તાલીમ લીધા વિના માત્ર ભગવાન શિવની કૃપાથી કેનવાસ પર અદ્ભુત કલાકૃતિઓ રચનાર સમર્પિત શિવભક્ત હસમુખભાઈ પટેલ દ્વારા તૈયાર કરાયેલા કુલ ૨૭૫ દિવ્ય ચિત્રોનું આ ત્રિદિવસીય પ્રદર્શન આગામી ૦૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ સોમવાર સુધી શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું રહેશે, જેને લઈને સમગ્ર પંથકમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ એ છે કે કલાકાર હસમુખભાઈ પટેલે માત્ર લાલ અને કાળા રંગનો જ ઉપયોગ કરીને ભગવાન ભોલેનાથની વિવિધ મુદ્રાઓ તેમજ દેશભરના બાર જ્યોતિર્લિંગોની મહિમા દર્શાવતી અત્યંત આકર્ષક કૃતિઓનું સર્જન કર્યું છે. આ અનોખી કલાયાત્રાની શરૂઆત વર્ષ ૨૦૦૬ માં ગુજરાતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાંનિધ્યથી થઈ હતી અને ત્યારબાદ દેશના તમામ ૧૨ જ્યોતિર્લિંગોમાં સફળ પ્રદર્શન બાદ વર્ષ ૨૦૧૭ માં મહારાષ્ટ્રના ઘુષ્ણનેશ્વર જ્યોતિર્લિંગ ખાતે આ યાત્રા પૂર્ણ થઈ હતી. દેશવ્યાપી સફળતા મેળવ્યા બાદ હવે આ શિવદર્શન યાત્રાને ગુજરાતના પ્રાચીન અને પૌરાણિક શિવ મંદિરો સુધી પહોંચાડવાના ભગીરથ સંકલ્પ સાથે કલાકારે આ વર્ષે અરવલ્લીની ધરતીને પસંદ કરી છે.
અગાઉના વર્ષોમાં ધંધુકા નજીકના ભીમનાથ મહાદેવ, બોટાદના ઘેલા સોમનાથ, ભાવનગરના ગોપનાથ તેમજ ગત વર્ષ ૨૦૨૫ માં સાબરકાંઠાના ઇડર સ્થિત સુપ્રસિદ્ધ સપ્તેશ્વર મહાદેવના પ્રાંગણમાં હજારો શિવભક્તોએ આ પવિત્ર ચિત્રોના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ વર્ષે ભિલોડાના મઉં સ્થિત ભુવનેશ્વર મહાદેવ ખાતે આયોજિત આ પ્રદર્શનને નિહાળવા માટે વહેલી સવારથી જ આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે અને 'હર હર મહાદેવ' ના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે. કલાકારે આ તમામ ચિત્રો માત્ર વ્યાવસાયિક હેતુસર નહીં પરંતુ ભગવાન શિવનો દિવ્ય સંદેશ અને સાત્વિક ઉર્જા ઘર-ઘર સુધી પહોંચાડવાના પવિત્ર ઉદ્દેશ્યથી ભક્તોના દર્શનાર્થે સમર્પિત કર્યા છે.
ત્રણ દિવસ સુધી ચાલનારા આ શિવદર્શન પ્રદર્શનની પૂર્ણાહુતિ સોમવારે સાંજે થશે, જે દરમિયાન સ્થાનિક ધાર્મિક સંસ્થાઓ અને ગ્રામજનો દ્વારા શ્રદ્ધાળુઓ માટે વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. શ્રાવણ માસના આ પાવન દિવસોમાં આ પ્રકારના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક આયોજનોથી યુવા પેઢીમાં આપણી સનાતન પરંપરા અને શિવ આરાધના પ્રત્યે અનોખોળ અસંદેશો પ્રસારિત થઈ રહ્યો છે. આગામી સમયમાં ગુજરાતના અન્ય પૌરાણિક તીર્થક્ષેત્રોમાં પણ આ પ્રદર્શનને આગળ ધપાવવાની કલાકારે નેમ વ્યક્ત કરી છે, જેથી વધુમાં વધુ શિવભક્તો આ અદભુત કલાકૃતિઓનો લહાવો લઈ શકે.
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
