તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
રાજ્યમાં હીટ રિલેટેડ ઈમરજન્સીના કેસોમાં ચિંતાજનક ઉછાળો : માત્ર 14 દિવસમાં 108 ઉપર કુલ 1,311 ઈમરજન્સી કેસ નોંધાયા
સૌથી વધુ 1,124 હાઈ ફિવરના કેસ,હીટ ઈલનેસના 91, વોમિટિંગ અને ડાયરીયાના 59, અતિશય પેટના દુખાવાના 16 તેમજ બેભાન થઈ જવાના 6 ગંભીર કેસો નોંધાયા

અમદાવાદ : રાજયમાં કાળઝાળ ગરમીના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ખૂબ જ ગંભીર અસરો જોવા મળી રહી છે. રાજ્યભરમાંથી હીટ રિલેટેડ ઈમરજન્સીના કેસોમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે. 108 ઇમરજન્સી સેવાના સત્તાવાર આંકડાઓ મુજબ 1 મે થી 14 મે 2026 દરમિયાન માત્ર બે અઠવાડિયામાં જ રાજ્યમાં કુલ 1,311 હીટ રિલેટેડ ઈમરજન્સી કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ કેસ હાઈ ફિવરના હોવાનું સામે આવ્યું છે.
108ના ડેટા અનુસાર ગરમીને કારણે બીમાર પડેલા લોકોમાં સૌથી વધુ 1,124 કેસ હાઈ ફિવરના નોંધાયા છે. આ સિવાય હીટ ઈલનેસના 91, વોમિટિંગ અને ડાયરીયાના 59, અતિશય પેટના દુખાવાના 16 તેમજ બેભાન થઈ જવાના (અનરિસ્પોન્સિવ) 6 ગંભીર કેસો નોંધાયા છે.
પારો વધતાની સાથે જ અમદાવાદ જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે, જ્યાં સૌથી વધુ 264 ઈમરજન્સી કેસ નોંધાયા છે. ત્યારબાદ ડાયમંડ સિટી સુરતમાં 138, આદિવાસી વિસ્તાર છોટાઉદેપુરમાં 68, દક્ષિણ ગુજરાતના વલસાડમાં 65 અને સરહદી જિલ્લા કચ્છમાં 58 કેસ સામે આવ્યા છે.
આ કટોકટીભરી સ્થિતિને જોતા તબીબોએ નાગરિકોને ખાસ સાવધ રહેવા અપીલ કરી છે. ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે બપોરના 12 થી 4 વાગ્યાના સમયગાળા દરમિયાન સીધા તડકામાં બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. શરીરનું તાપમાન જળવાઈ રહે તે માટે પૂરતા પ્રમાણમાં પાણી, ઓઆરએસ (ORS), છાશ અથવા લીંબુ પાણી જેવા પ્રવાહી લેવા જોઈએ. વજનમાં હલકો આહાર લેવો હિતાવહ છે. ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધો અને ખુલ્લામાં મજૂરી કરતા શ્રમિકોએ આ ગરમીના પ્રકોપ સામે વિશેષ કાળજી રાખવાની જરૂર છે.
(1:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
