તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
સુરતમાં ડોગ બાઇટના કેસોમાં ચિંતાજનક વધારો, ખસીકરણ કામગીરી ઠપ્પ
4 મહિનાથી તબીબોને પગાર નહીં મળતાં ભેસ્તાન ABC સેન્ટરમાં ઓપરેશન બંધ: તબીબોએ કમિટી સમક્ષ ઠાલવ્યો આક્રોશ

સુરત શહેરમાં રખડતા કૂતરાંઓનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ડોગ બાઇટના કેસોમાં સતત વધારો થઈ રહ્યો હોવા છતાં ભેસ્તાન સ્થિત એનિમલ બર્થ કંટ્રોલ (ABC) સેન્ટરમાં છેલ્લા ચાર મહિનાથી તબીબોને વેતન નહીં મળતાં કૂતરાંઓના ખસીકરણની કામગીરી સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. છેલ્લા ચાર દિવસથી ઓપરેશન કામગીરી બંધ હોવાની વાત ખુદ તબીબોએ પાલિકાની કમિટી સમક્ષ સ્વીકારી હતી.
તાજેતરમાં સુરત મહાનગર પાલિકાના એક ગાર્ડનમાં કિશોરી પર કૂતરાંઓએ હુમલો કર્યો હતો. શહેરના જાહેર સ્થળો, ગાર્ડન અને રસ્તાઓ પર રખડતા કૂતરાંઓથી બાળકો અને મોર્નિંગ-ઇવનિંગ વોક માટે નીકળતા વડીલો સતત ભયના માહોલમાં જીવી રહ્યા છે.
ચિંતાજનક બાબત એ છે કે, સુરતમાં ડોગ બાઇટના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. વર્ષ 2024માં કુલ 34,418 કેસ નોંધાયા હતા, જ્યારે 2025માં આ આંકડો વધીને 39,432 સુધી પહોંચ્યો હતો. ચાલુ વર્ષ 2026માં માત્ર સાડા ચાર મહિનામાં જ 18,143 ડોગ બાઇટના કેસ નોંધાતા પાલિકા તંત્રમાં ચિંતા વ્યાપી છે.
ડોગ બાઇટના વધતા કેસોને લઈને હાલમાં જ સુપ્રીમ કોર્ટે પણ કડક ટિપ્પણી કરી અસરકારક પગલાં લેવા તાકીદ કરી હતી. તે વચ્ચે સુરતના ભેસ્તાન ABC સેન્ટરમાં કોન્ટ્રાક્ટર દ્વારા ચાર મહિનાથી વેતન નહીં ચૂકવાતા તબીબોએ ખસીકરણ કામગીરી બંધ કરી દીધી છે.
પાલિકાની કમિટી સમક્ષ તબીબોએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, નિયમિત પગાર ન મળતાં કામગીરી કરવી મુશ્કેલ બની ગઈ છે. જેના કારણે છેલ્લા ચાર દિવસથી ડોગ ખસીકરણનાં ઓપરેશન સંપૂર્ણપણે અટકાવી દેવાયા છે.
હડકવાના લક્ષણવાળા 3500થી વધુ શ્વાન પકડાયા
સુરત મહાનગર પાલિકાને ડિસેમ્બર 2025થી મે 2026 દરમિયાન હડકવાના લક્ષણ ધરાવતા કૂતરાં અંગે કુલ 3,752 ફરિયાદો મળી હતી. જેમાંથી પાલિકાએ 3,506 કૂતરાંઓને પકડી પાડ્યા હોવાનું જણાવાયું છે.
હડકવાના લક્ષણવાળા શ્વાન પકડવાની કામગીરી
માસ ડિટેઇન
ડિસેમ્બર-25 323
જાન્યુઆરી-26 789
ફેબ્રુઆરી-26 838
માર્ચ-26 704
એપ્રિલ-26 683
મે-26 169
પાલિકા વિભાગના જણાવ્યા અનુસાર હડકવાના લક્ષણ ધરાવતા કૂતરાં સામાન્ય રીતે એક સપ્તાહથી વધુ જીવતા નથી.
ખસીકરણમાં પણ મોટો ઘટાડો
ડોગ ખસીકરણની કામગીરીમાં પણ છેલ્લા બે વર્ષમાં ભારે ઘટાડો નોંધાયો છે.
ખસીકરણનો આંકડો
વર્ષ ખસીકરણ
2024-25 17,870
2025-26 9,585
2026 (4 માસ) 1,684
ડોગ બાઇટના વધતા કેસો અને ખસીકરણ કામગીરી બંધ થતાં શહેરમાં રખડતા કૂતરાંઓનો પ્રશ્ન વધુ ગંભીર બનવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. પાલિકા હવે કોન્ટ્રાક્ટર સામે નોટિસ આપવાની પ્રક્રિયા શરૂ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
