News of Saturday, 12th September 2026
અમદાવાદના રસ્તાઓ બનશે વિશ્વકક્ષાના: ખોદકામની ઝંઝટમાંથી મળશે કાયમી મુક્તિ, AMC ના 'આઈકોનિક રોડ પ્રોજેક્ટ' હેઠળ થશે કાયાપલટ
ઈસ્કોનથી પકવાન અને એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ કોરિડોરનો સંકલિત અભિગમ સાથે થશે વિકાસ: ભૂગર્ભ ગટર, પાણી, સ્ટ્રીટ લાઈટ અને લેન્ડસ્કેપિંગની તમામ કામગીરી હવે એક જ ટેન્ડર હેઠળ પૂર્ણ કરાશે

અમદાવાદ : અમદાવાદ શહેરના માર્ગોને વધુ સુવ્યવસ્થિત, આધુનિક અને નાગરિકકેન્દ્રિત બનાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા એક અત્યંત મહત્વકાંક્ષી અને ક્રાંતિકારી યોજના હાથ ધરવામાં આવી છે. 'આઇકોનિક-પ્રિ-સેન્ટ રોડ' (Iconic-Precinct Road) ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ હવે શહેરના મુખ્ય માર્ગોને વિશ્વકક્ષાના બનાવવામાં આવશે. અત્યાર સુધી રોડ-રસ્તા, અંડરગ્રાઉન્ડ યુટિલિટી, લેન્ડસ્કેપ અને સ્ટ્રીટ લાઈટ જેવી કામગીરી અલગ-અલગ વિભાગો દ્વારા કરવામાં આવતી હતી, જેના કારણે વારંવાર ખોદકામ કરવું પડતું હતું અને કામગીરીમાં વિલંબ થતો હતો. પરંતુ હવે AMC ના સંકલિત અભિગમ (Integrated Approach) ના કારણે નાગરિકોને વારંવારના રસ્તાના ખોદકામમાંથી કાયમી મુક્તિ મળશે.
આ સંકલિત આયોજન હેઠળ વોટર, ડ્રેનેજ તથા સ્ટોર્મ વોટર લાઇન જેવી ભૂગર્ભ સુવિધાઓની કામગીરીને સ્ટ્રીટ લાઈટ અને ગાર્ડન વિકાસ સાથે જોડીને એક સાથે જ પૂર્ણ કરવામાં આવશે. આ યોજના હેઠળ પ્રથમ તબક્કામાં શહેરના સૌથી વ્યસ્ત અને મહત્વના એવા ઈસ્કોનથી પકવાન ચાર રસ્તા સુધીના માર્ગ તથા એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધીના કોરિડોરને આઈકોનિક રોડ તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આનાથી સમયની બચત થશે અને લાંબા ગાળા માટે મજબૂત રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થશે.
માર્ગોના વિકાસમાં માત્ર વાહનવ્યવહાર જ નહીં પરંતુ પેડેસ્ટ્રિયન્સ (પદયાત્રીઓ) ની સુરક્ષા અને સ્માર્ટ સુવિધાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. રોડની બંને બાજુ ઓછામાં ઓછા ૧.૮ મીટરના સતત ચાલવા યોગ્ય ફૂટપાથ, સુવ્યવસ્થિત પાર્કિંગ સ્પેસ, ડેકોરેટિવ લાઈટિંગ, વોટર ફાઉન્ટેન, સ્કલ્પચર, ગ્રીનરી, સેલ્ફી પોઈન્ટ્સ અને વેન્ડિંગ ઝોન તૈયાર કરાશે. AMC નો આ ઈન્ટિગ્રેટેડ પ્રોજેક્ટ સ્માર્ટ અને વિકસિત અમદાવાદ તરફનું એક અત્યંત મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
(11:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
