તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
અમદાવાદના રાણીપની ઘટના :પાણીપુરીની લારી પર યુવતીના વાસણમાં હાડકું નીકળતાં જ ભારે હોબાળો
પકોડીમાં વાળ નીકળતા યુવતીએ ધ્યાન આપ્યું નહી, પરંતુ છેલ્લી પકોડીમાંથી હાડકું નીકળતા હોબાળો મચી ગયો: યુવતીએ વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો

અમદાવાદ :બહાર જમવા જતા લોકોના ભોજનમાં ક્યારેક વાળ, તો ક્યારેક મરેલો ઉંદર નીકળી આવ્યાની ઘણી ઘટનાઓ બાદ હવે અમદાવાદના રાણીપ વિસ્તારમાં પાણીપુરી ખાવા ગયેલી યુવતીને ખૂબ જ કડવો અનુભવ થયો હતો. પાણીપુરીમાંથી સૌપ્રથમ વાળ અને પછી હાડકું નીકળી આવતા યુવતી ચોંકી ગઈ હતી.
મળતી વિગતો મુજબ, અમદાવાદના રાણીપ વિસ્તારમાં 15 મેના રોજ એક યુવતી પોતાની માતા સાથે સાંજના સમયે પાણીપુરી ખાવા માટે ગઈ હતી. જેમાં પહેલી પકોડીમાં વાળ નીકળતા યુવતીએ ધ્યાન આપ્યું નહી, પરંતુ છેલ્લી પકોડીમાંથી હાડકું નીકળતા હોબાળો મચી ગયો હતો. યુવતીએ વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.
યુવતીના જણાવ્યા મુજબ, યુવતી અને તેની માતા સાથે સાંજના સમયે ક્રિષ્ણા પાણીપુરી નામની લારીએ પકોડી ખાવા માટે ગયા હતા. પરંતુ પાણીપુરીમાંથી હાડકું નીકળતા હોબાળો મચી ગયો હતો. યુવતીએ આ બાબતે લારીવાળાને કહેતા તે માન્યો નહી. જ્યારે યુવતીએ લોકોને હાડકું બતાવ્યું તો લોકોએ પુષ્ટિ કરી હતી. ઘટના સ્થળે હોબાળો મચી જતા લારીધારકે યુવતીની માફી માગી હતી.
પકોડીવાળાએ ભૂલ સ્વીકારીને હાડકું ઉડીને આવ્યું હશે. તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વીડિયોને પગલે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. તેમજ સ્ટ્રીટ ફૂડમાં હાઈજિન અને સ્વચ્છતા બાબતે ઘણા સવાલો ઉભા થયા છે. લોકોએ આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
