<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

નવી દિલ્હીમાં યોજાયેલી વર્લ્ડ ફિઝિયોથેરાપી AWP કોન્ફરન્સમાં અમદાવાદની KD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીનો ડંકો : યુથ પાર્લામેન્ટમાં મેળવ્યો દ્વિતીય ક્રમ

૨૦થી વધુ દેશોના ૧૦,૦૦૦થી વધુ ડેલિગેટ્સની ઉપસ્થિતિ વચ્ચે સંસ્થાના વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા અને શ્રેષ્ઠ ટીમવર્કનું પ્રદર્શન કરી વિજયધ્વજ લહેરાવ્યો

અમદાવાદ:નવી દિલ્હી સ્થિત યશોભૂમિ ખાતે તાજેતરમાં ૨૬ અને ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન 'વર્લ્ડ ફિઝિયોથેરાપી એશિયા વેસ્ટર્ન પેસિફિક (AWP) રીજનલ કોન્ફરન્સ ૨૦૨૬'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વૈશ્વિક પરિષદમાં ૨૦થી વધુ દેશોના ૧૦,૦૦૦થી વધુ ડેલિગેટ્સ સહભાગી થયા હતા. આ આંતરરાષ્ટ્રીય મંચ પર કે.ડી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપી (KD Institute of Physiotherapy)ના વિદ્યાર્થીઓએ પોતાની ઉત્કૃષ્ટ પ્રતિભાના જોરે સંસ્થાનું નામ રોશન કર્યું છે.

કોન્ફરન્સ અંતર્ગત આયોજિત 'યુથ પાર્લામેન્ટ' (Youth Parliament) સ્પર્ધામાં કે.ડી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓએ સમગ્ર દેશ અને વિદેશની ટીમો વચ્ચે આકરી સ્પર્ધા આપીને બીજો ક્રમ (2nd Rank) પ્રાપ્ત કર્યો હતો. વિદ્યાર્થીઓએ પોતાના અદભુત આત્મવિશ્વાસ, વિષયની ઊંડી સમજ અને શ્રેષ્ઠ ટીમવર્કનું પ્રદર્શન કરીને ઉપસ્થિત તજજ્ઞોની પ્રશંસા મેળવી હતી.

આ વિશેષ સિદ્ધિ સંસ્થાના પ્રિન્સિપાલ ડૉ. જસપ્રિત પ્રીત કૌર કાંગના માર્ગદર્શન હેઠળ અને જૈના મણિયારની આગેવાનીમાં પ્રાપ્ત થઈ હતી. વિજેતા ટીમના સભ્યો તરીકે જીયા કડુ, આરુષિ બૈરાગી, કશિશ પંચાલ, ઋત્વ પટેલ, ભવ્ય મોદી, ધ્રુવસિંગ અને કલ્પેશ પાટીદારે અસાધારણ કારકિર્દી દર્શાવીને વિજયી ટ્રોફી પોતાના નામે કરી હતી.

વૈશ્વિક મંચ પર પ્રાપ્ત થયેલી આ ગૌરવપૂર્ણ સફળતા અંગે સંસ્થાના સંચાલકો અને અધ્યાપકોએ હર્ષની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ સિદ્ધિ દરેક વિદ્યાર્થીના ભગીરથ પરિશ્રમ, માર્ગદર્શકોની સચોટ દોરવણી અને સંસ્થાની શૈક્ષણિક ગુણવત્તાને સમર્પિત છે. નાની શરૂઆતથી લઈને વૈશ્વિક કક્ષાના મંચ પર મળેલી આ સફળતા સંસ્થા અને રાજ્ય માટે અત્યંત પ્રેરણાદાયી સાબિત થઈ છે. (અહેવાલ - મુકેશ પંડિત)

(9:39 PM IST)