<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

અમદાવાદના કાલુપુર બ્રિજ હવે 31મી મે સુધી રાત્રિના સમયે વાહનવ્યવહાર માટે બંધ રહેશે : જાણો વૈકલ્પિક વ્યવસ્થા

ટેકનિકલ કામગીરી હજુ પણ બાકી હોવાના કારણે તંત્ર અને નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા આ બ્લોક લંબાવવામાં આવ્યો

અમદાવાદના સૌથી વ્યસ્ત અને મહત્વના ગણાતા કાલુપુર રેલવે ઓવરબ્રિજ પરથી રાત્રિના સમયે પસાર થતા વાહનચાલકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં ચાલી રહેલી પ્રતિષ્ઠિત 'બુલેટ ટ્રેન' પ્રોજેક્ટની કામગીરીને પગલે કાલુપુર બ્રિજ આગામી દિવસોમાં પણ રાત્રિના સમયે વાહનવ્યવહાર માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ આ બ્રિજ 22 મેથી 25 મે સુધી રાત્રે 12 થી સવારના 6 વાગ્યા સુધી બંધ રાખવામાં આવ્યો હતો. જોકે, ટેકનિકલ કામગીરી હજુ પણ બાકી હોવાના કારણે તંત્ર અને નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા આ બ્લોક લંબાવવામાં આવ્યો છે. હવે આગામી 27 મેથી 31 મે સુધી અલગ-અલગ શિડ્યુલ મુજબ બ્રિજ રાત્રે બંધ રહેશે.

કાલુપુર રેલવે સ્ટેશનની આસપાસથી પસાર થતો આ રૂટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ખૂબ મહત્ત્વનો છે. હાઈ-સ્પીડ રેલ ટ્રેકના લોન્ચિંગ અને સેફ્ટી ફીચર્સ માટે અહીં ભારે મશીનરી સાથે રાત્રિ દરમિયાન કામગીરી કરવામાં આવે છે. આગામી દિવસોમાં કંપની દ્વારા નીચે મુજબની જટિલ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. બુલેટ ટ્રેનના ટ્રેક અને વાયડક્ટ આસપાસ સ્પેશિયલ રેલિંગ લગાવવાની કામગીરી.સ્ટ્રક્ચરની મજબૂતાઈ માટે સ્ટ્રેસિંગની પ્રક્રિયા.બાંધકામ દરમિયાન મુકાયેલી વોટર પ્લેટ રિમૂવિંગનું કામ.ભારે સાધનો અને ગર્ડરના સપોર્ટ માટે મુકવામાં આવેલી લિફ્ટિંગ ફ્રેમ મૂકવાની તથા હટાવવાની કામગીરી.સામાન્ય જનતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે આ ભારે કામગીરી માત્ર રાત્રિના સમયે જ કરવાનું નક્કી કરાયું છે, જેથી દિવસ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં.

વાહનચાલકોને મુશ્કેલી ન પડે તે માટે આગામી બ્લોકનો સમયગાળો બે અલગ-અલગ સ્લોટમાં વહેંચવામાં આવ્યો છે.  27 મેથી 29 મે (બુધવારથી શુક્રવાર)રાત્રે 12:00 વાગ્યાથી સવારે 6:00 વાગ્યા સુધી (કુલ 6 કલાક) 30 મે અને 31 મે (શનિવાર અને રવિવાર) રાત્રે 12:00 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી (કુલ 4 કલાક) 1 જૂનની સવારથી બ્રિજ પર રાબેતા મુજબ ચોવીસ કલાક વાહનવ્યવહાર શરૂ થઈ જશે તેવી આશા છે.  

(8:29 PM IST)