<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

અમદાવાદના કાલુપુર બ્રિજ ચાર દિવસ રાત્રીના સામે વાહન વ્યવહાર માટે બંધ રહેશે :બુલેટ ટ્રેન કોરિડોરને લઈને નિર્ણય

બ્રિજ પર બુલેટની સેગમેન્ટ ઈરેકશન કામગીરી લઈને ડાયવર્ઝન અપાયું :તા, 22 મે થી 25 સુધી રાતના 12 થી સવારના 6 વાગ્યા સુધી રહેશે બંધ

અમદાવાદ: શહેરના સૌથી વ્યસ્ત ગણાતા વિસ્તારોમાંથી એક એવા કાલુપુર રેલવે સ્ટેશન નજીકના ઓવરબ્રિજ પરથી પસાર થતા વાહનચાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પ્રતિષ્ઠિત અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી હવે પૂરજોશમાં ચાલી રહી છે. આ મેગા પ્રોજેક્ટના ભાગરૂપે કાલુપુર બ્રિજ પરથી ટ્રેનના ભારેખમ સેગમેન્ટ પસાર કરવા અને તેની ગોઠવણી માટે એટલે કે સેગમેન્ટ ઇરેક્શનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. સુરક્ષા અને કામગીરીની સુગમતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ બ્રિજ પર ટ્રાફિક ડાયવર્ઝન આપવાનો નિર્ણય કરાયો છે

વાહનચાલકોને કોઈ મોટી હાલાકી ન ભોગવવી પડે તે માટે આ કામગીરી દિવસના બદલે રાત્રિના સમયે કરવાનું નક્કી કરાયું છે. સત્તાવાર જાહેરનામા અનુસાર, આગામી 22 મે  થી લઈને 25 મે સુધી આ ટ્રાફિક ડાયવર્ઝન અમલમાં રહેશે. આ ચાર દિવસ દરમિયાન દરરોજ રાત્રે 12:00 વાગ્યાથી લઈને વહેલી સવારના 06:00 વાગ્યા સુધી કાલુપુર બ્રિજ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. આ સમયગાળા દરમિયાન બ્રિજ પર માત્ર પ્રોજેક્ટ સંબંધિત ભારે મશીનરી અને કર્મચારીઓની જ અવરજવર રહેશે.

કાલુપર બ્રિજ રાત્રિના સમયે બંધ રહેવાનો હોવાથી રેલવે સ્ટેશન, એસ.ટી. બસ સ્ટેન્ડ કે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડતા આ રસ્તેથી પસાર થતા મુસાફરોએ વૈકલ્પિક માર્ગો નો ઉપયોગ કરવો પડશે. મધ્યરાત્રિ કે વહેલી સવારે ટ્રેન પકડવા માટે નીકળતા લોકોને મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા અગાઉથી જ આ અંગેની સૂચના આપી દેવામાં આવી છે. સવારના 6 વાગ્યા પછી આ બ્રિજ પરનો વાહનવ્યવહાર રાબેતા મુજબ શરૂ કરી દેવાશે.

(6:58 PM IST)