તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th July 2026
અમદાવાદનો JCP શરદ સિંઘલ પર હુમલો કરનાર કુખ્યાત કલીમ ભૈયાની ધરપકડ
સિવિલમાંથી ડિસ્ચાર્જ થતાં જ ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી

અમદાવાદઃ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં JCP ક્રાઈમ શરદ સિંઘલ પર થયેલા જીવલેણ હુમલાના મામલામાં પોલીસે મોટી સફળતા મેળવી છે. આ હુમલાના મુખ્ય આરોપી મહંમદ કલીમ ઉર્ફે કલીમ ભૈયા પઠાણની ક્રાઈમ બ્રાન્ચે સત્તાવાર રીતે ધરપકડ કરી લીધી છે. ઘટના બાદથી આરોપી પોલીસની નજરમાં હતો અને જેવો તે હોસ્પિટલમાંથી બહાર આવ્યો કે તરત જ તેની દબોચી લેવામાં આવ્યો છે. આ હાઈ-પ્રોફાઈલ કેસની ધરપકડથી ગુનેગારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
ચંડોળા તળાવ હુમલા કેસનો મુખ્ય સૂત્રધાર કલીમ ભૈયા પઠાણ ઘટના સમયે ઘાયલ થયો હતો, જેના કારણે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 108 એમ્બ્યુલન્સ અને પોલીસ બંદોબસ્ત વચ્ચે તેની સઘન સારવાર ચાલી રહી હતી. આજે સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા આરોપીને ફિટ જાહેર કરીને રજા અપાતા જ બહાર વોચમાં ઉભેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેને કસ્ટડીમાં લઈ લીધો હતો. પોલીસ હવે તેની સઘન પૂછપરછ કરીને હુમલા પાછળના અન્ય સાગરીતોની વિગતો મેળવી રહી છે.
આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે જ્યારે ચંડોળા તળાવ પાસે JCP ક્રાઈમ શરદ સિંઘલ પર આરોપીએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઉચ્ચ અધિકારીએ પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા ત્વરિત નિર્ણય લીધો હતો. JCP શરદ સિંઘલે પોતાના બચાવમાં અને આરોપીને રોકવા માટે સેલ્ફ ડિફેન્સમાં રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગ દરમિયાન આરોપી કલીમ ભૈયાના પગમાં 1 ગોળી વાગી હતી અને તે ત્યાં જ ઢળી પડ્યો હતો. પોલીસે કાયદાનું ભાન કરાવીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ખાખી પર હાથ ઉપાડનારને છોડવામાં નહીં આવે.
(2:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
