<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

અમદાવાદના કોલ્ડ સ્ટોરેજ પર ફૂડ વિભાગના દરોડા: ૪૦ હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત

​તહેવારો પહેલાં મિલાવટખોરો સામે મોટી કાર્યવાહી: માવા સાથે વિવિધ મીઠાઈ અને ફરસાણના સેમ્પલ લઈ લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલાયા

​અમદાવાદ:તહેવારોની મોસમ નજીક આવતાં જ શહેરમાં અખાદ્ય અને શંકાસ્પદ ખાદ્યપદાર્થોનું વેચાણ રોકવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે ફૂડ વિભાગની ટીમે બાતમીના આધારે શહેરના એક કોલ્ડ સ્ટોરેજ પર અચાનક દરોડો પાડીને વિશાળ માત્રામાં શંકાસ્પદ માવાનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેનાથી મિલાવટખોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

​મળતી વિગતો મુજબ, ફૂડ ડિપાર્ટમેન્ટની ટીમને 'રાધિકા ફૂડ પ્રોડક્ટ્સ' નામના કોલ્ડ સ્ટોરેજમાં મોટા પાયે અખાદ્ય કે શંકાસ્પદ જથ્થો સંગ્રહાયેલો હોવાની ચોક્કસ માહિતી મળી હતી. આ બાતમીને આધારે અધિકારીઓની ટીમે સ્થળ પર પહોંચીને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન કોલ્ડ સ્ટોરેજમાંથી આશરે ૪૦ હજાર કિલો જેટલો શંકાસ્પદ માવો મળી આવ્યો હતો. ફૂડ વિભાગે ત્વરિત કાર્યવાહી કરીને આ સમગ્ર જથ્થો જપ્ત કરી લીધો છે.

 

​માવાના વિશાળ જથ્થા ઉપરાંત, ફૂડ સેફ્ટી ઓફિસરોએ સ્થળ પર ઉપલબ્ધ વિવિધ મીઠાઈઓ તેમજ ફરસાણના પણ નમુના (સેમ્પલ) એકત્ર કર્યા હતા. ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે હેતુથી આ તમામ સેમ્પલોને તાત્કાલિક ધોરણે રાજ્યની પ્રમાણિત લેબોરેટરીમાં ગુણવત્તા ચકાસણી અર્થે મોકલી આપવામાં આવ્યા છે.

 

​ફૂડ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, લેબોરેટરીમાંથી સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ જો માવો કે અન્ય ખાદ્યસામગ્રી અખાદ્ય કે ભેળસેળયુક્ત જણાશે, તો સંબંધિત પેઢી અને સંચાલકો સામે ફૂડ સેફ્ટી ઍક્ટ હેઠળ કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વેપારીઓ અને સ્ટોરેજ હાઉસ પર આવી સરપ્રાઈઝ ચેકિંગ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.

(4:50 PM IST)