News of Thursday, 22nd October 2026
અમદાવાદ.... આંગડિયા કર્મચારીનું અપહરણ, રૂ.૩૪ લાખની લૂંટ
ન્યૂ મણિનગરમાં રહેતા કેતનભાઈ પરીખ બેંકમાંથી રોકડ લઈને આંગડિયા પેઢીમાં જવા નીકળ્યા હતા ત્યારે બે અજાણ્યા શખ્સોએ તેમને આંતર્યા

અમદાવાદ,તા.૨૨: અમદાવાદના રાજેન્દ્ર પાર્ક બ્રિજ પર આંગડિયા પેઢીના કર્મચારીને આંતરીને અપહરણ કરી ?૩૪ લાખની રોકડ લૂંટી લેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ન્યૂ મણિનગરમાં રહેતા કેતનભાઈ પરીખ બેંકમાંથી રોકડ લઈને આંગડિયા પેઢીમાં જવા નીકળ્યા હતા ત્યારે બે અજાણ્યા શખ્સોએ તેમને આંતર્યા હતા. આરોપીઓ તેમને પોતાની કારમાં બેસાડીને ગાંધીનગર તરફ લઈ ગયા અને ધોળાકૂવા પાસે ઉતારી રોકડ લઈને ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ છે. તો બીજી તરફ, સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ફરિયાદી પોતે જ શંકાના દાયરામાં છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, કેતનભાઈ પરીખ એન.આર. આંગડિયા પેઢીમાં નોકરી કરે છે. બુધવારે સાંજે તેઓ બેંકમાંથી આશરે રૂ.૩૪ લાખની રોકડ લઈને પોતાના એક્ટિવા પર પેઢીમાં જવા નીકળ્યા હતા. તેઓ રાજેન્દ્ર પાર્ક બ્રિજ પર પહોંચ્યા ત્યારે બે અજાણ્યા શખ્સોએ તેમને આંતરીને રોક્યા હતા. ત્યારબાદ શખ્સોએ તેમને પોતાની કારમાં બેસાડી અપહરણ કર્યું હતું.
આરોપીઓ કેતનભાઈને ગાંધીનગર તરફ લઈ ગયા હતા. ત્યારબાદ ધોળાકૂવા પાસે તેમને ઉતારી દીધા હતા અને તેમની પાસેથી રૂ.૩૪ લાખની રોકડ લઈને ફરાર થઈ ગયા હોવાનો આક્ષેપ છે. આરોપીઓના કબજામાંથી મુક્ત થયા બાદ કેતનભાઈએ આંગડિયા પેઢીના સંચાલકોને જાણ કરી હતી. ત્યારબાદ ઓઢવ પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઓઢવ પોલીસ સ્ટેશનના અધિકારીઓ સહિતનો કાફલો તપાસમાં જોડાયો છે. પોલીસે ઘટનાસ્થળની આસપાસ તેમજ ગાંધીનગર તરફ જતા માર્ગો પરના CCTV ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે. ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કારના નંબર અને મોડલ સહિતની વિગતોના આધારે આરોપીઓ સુધી પહોંચવા અલગ-અલગ ટીમો કામે લગાડવામાં આવી છે.
આટલી મોટી રોકડ લઈને કર્મચારી કયા માર્ગે પસાર થવાના છે તેની આરોપીઓને અગાઉથી જાણ હતી કે કેમ, તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. કેતનભાઈ બેંકમાંથી નીકળ્યા ત્યારથી કોઈ કાર તેમનો પીછો કરતી હતી કે કેમ અને આંગડિયા પેઢી સાથે સંકળાયેલી કોઈ વ્યક્તિએ માહિતી આપી હતી કે કેમ, તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં પોલીસ CCTV ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે આરોપીઓને શોધવા પ્રયાસ કરી રહી છે. જોકે, આ કેસમાં આરોપી અને ફરિયાદી સાથે મળેલા હોય તેવી પણ શંકા સેવાઈ રહી છે. પોલીસ વિવિધ ટીમો બનાવીને અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
