News of Saturday, 5th September 2026
અમદાવાદ-સુરતની કોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો ઇમેલ મળતા દોડધામ
અમદાવાદ અને સુરતની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતા પોલીસ તંત્ર દોડતું : અમદાવાદની ઘી કાંટા મેટ્રોપોલિટન કોર્ટ અને લાલ દરવાજા સેશન્સ કોર્ટને ધમકી મળી .

અમદાવાદમાં ફરી એકવાર બોમ્બની ધમકીથી પોલીસ તંત્રમાં દોડધામ મચી છે. ગુજરાત હાઈકોર્ટ સહિત અમદાવાદ અને સુરતની તમામ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેઈલ મળ્યો છે. ધમકીભર્યા મેઈલ બાદ અમદાવાદની ઘી કાંટા મેટ્રોપોલિટન કોર્ટ અને લાલ દરવાજા સેશન્સ કોર્ટમાં તાત્કાલિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
માહિતી મળતા જ પોલીસ, ફાયર બ્રિગેડ અને બોમ્બ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. કોર્ટ પરિસરને ખાલી કરાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ BDDS એટલે કે બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમે સમગ્ર પરિસરમાં સઘન તપાસ શરૂ કરી હતી.
કોર્ટને મળેલા ધમકીભર્યા મેઈલમાં અમદાવાદ અને સુરતની તમામ કોર્ટમાં RDX બોમ્બ મૂકવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ધમકીભર્યા મેઈલ બાદ સુરતમાં પણ પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે.
સુરતમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ડિસ્ટ્રિક્ટ કોર્ટ પરિસરમાં પહોંચી હતી. કોર્ટમાં હાજર તમામ વકીલો અને કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હાલ સમગ્ર કોર્ટ પરિસરમાં પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો મિનિટોમાં નિર્ધારિત સ્થળોએ પહોંચી ગયો હતો. બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની વિશેષ ટીમોએ તમામ સંવેદનશીલ પોઈન્ટ્સ, પાર્કિંગ એરિયા, રેકોર્ડ રૂમ અને જજ સાહેબોની ચેમ્બર્સનું બારીકાઈથી ચેકિંગ શરૂ કર્યું હતું. ફાયર બ્રિગેડની ગાડીઓ અને ઇમરજન્સી મેડિકલ સ્ટાફને કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે કોર્ટ બહાર તૈનાત કરવામાં આવ્યા હતા.
(6:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
