News of Wednesday, 15th April 2026
અમદાવાદ એસજી હાઇવે પર ડમ્પર ચાલકે બાઇક સવારોને કચડ્યા : બે લોકોના મોત
બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારતા બાઈક સવારો ડમ્પરના ટાયર નીચે આવી ગયા જેના કારણે તેમનું પ્રાણપંખેરું ઉડી ગયું

અમદાવાદ :શહેરના વ્યસ્ત ગણાતા એસજી હાઇવે પર ડમ્પર ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક પર સવાર બંને વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, એસ.જી. હાઈવેને જોડતા માર્ગ પર આ અકસ્માતની ઘટના બની હતી. ડમ્પર ચાલકે પોતાની ગતિ પરથી કાબૂ ગુમાવતા આગળ જઈ રહેલી બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર લાગ્યા બાદ બાઈક સવારો ડમ્પરના ટાયર નીચે આવી ગયા હતા, જેના કારણે તેમનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. અકસ્માતને પગલે આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને વાહનવ્યવહાર ખોરવાયો હતો.
ઘટનાની જાણ થતા જ SG 1 ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંને મૃતકોના મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. ટ્રાફિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ડમ્પર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સ્થાનિકોમાં ભારે વાહનોના પ્રવેશ અને તેમની બેફામ ગતિને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ હવે સીસીટીવી ફૂટેજના આધારે ડમ્પરની ગતિ અને ચાલકની બેદરકારીની તપાસ કરી રહી છે.
(9:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
