તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Sunday, 4th October 2026
અમદાવાદ રિવરફ્રન્ટ પર હાઇડ્રામા: એલિસબ્રિજ પરથી નદીમાં ઝંપલાવવા જતાં યુવકને ઉગારી લેવાયો
પોલીસ અને ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીથી ૩૦ વર્ષીય યુવકનો જીવ બચ્યો; માનસિક બીમારીના કારણે આપઘાતનો પ્રયાસ કર્યાનું પ્રાથમિક તારણ

અમદાવાદ: અમદાવાદના પશ્ચિમ રિવરફ્રન્ટ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક એલિસબ્રિજ નજીક એક યુવકે નદીમાં કૂદીને આપઘાત કરવાનો પ્રયાસ કરતાં થોડા સમય માટે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, બનાવની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ અને ફાયર વિભાગની ટીમે ત્વરિત અને સતર્કતાપૂર્વક કામગીરી કરી યુવકને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી તેનો જીવ બચાવી લીધો હતો.
એલિસબ્રિજ નજીકથી નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો
મળતી માહિતી મુજબ, ૩૦ વર્ષીય સુનિલ ચુનારા નામનો યુવક એલિસબ્રિજ નજીક રિવરફ્રન્ટ તરફ પહોંચ્યો હતો અને ત્યાંથી નીચે નદી તરફ જઈને આપઘાત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દ્રશ્ય જોઈને સ્થાનિક લોકોએ તુરંત જ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી.
રેસ્ક્યૂ કરી સિવિલ હોસ્પિટલ ખસેડાયો
કોલ મળતા જ રિવરફ્રન્ટ પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જવાનોએ સમજાવટ અને કૌશલ્યપૂર્વક યુવકને સુરક્ષિત રીતે નીચે ઉતારી લીધો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
માનસિક બીમારી હોવાનું પ્રાથમિક તારણ
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે યુવક માનસિક બીમારીથી પીડાઈ રહ્યો છે. યુવકે આ આત્યંતિક પગલું ભરવા પાછળનું ચોક્કસ કારણ શું હતું તે જાણવા માટે પોલીસે તેના પરિવારજનોનો સંપર્ક કરી વધુ તપાસ હાથ ધરી છે.
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
