<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

અમદાવાદ રેલવે ડિવિઝન હવે ટેકનોલોજીના માધ્યમથી રેલવેના પાટા પર નવો ઈતિહાસ રચશે :25 કરોડના ખર્ચે આકાર પામનાર કંટ્રોલ રૂમ તૈયાર

250 પેસેન્જર અને 450 માલગાડીઓનું હવે કરી શકાશે લાઈવ ટ્રેકિંગ: 10 જિલ્લામાં ફેલાયેલા 1350 KM ના રેલવે ટ્રેક પર રખાશે રિયલ ટાઈમ નજર

અમદાવાદ :ભારતીય રેલવેના પશ્ચિમ રેલવે ઝોન હેઠળ આવતા અમદાવાદ રેલવે ડિવિઝન દ્વારા રેલવેના પરિચાલનને વધુ આધુનિક અને સુરક્ષિત બનાવવા માટે એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. અંદાજિત 25 કરોડ રૂપિયાના ખર્ચે ડિવિઝનલ ઓફિસ ખાતે એક અત્યાધુનિક કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવશે, જે રેલવેની કાર્યક્ષમતામાં મોટો વધારો કરશે.

આ નવો કંટ્રોલ રૂમ લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ હશે, જેના દ્વારા અમદાવાદ ડિવિઝન હેઠળ દોડતી અંદાજે 250 પેસેન્જર ટ્રેનો અને 450 જેટલી માલગાડીઓ (ગુડ્સ ટ્રેન) નું લાઈવ ટ્રેકિંગ કરી શકાશે. આ સિસ્ટમ દ્વારા ડિવિઝનના કાર્યક્ષેત્રમાં આવતા 10 જિલ્લાઓના કુલ 1350 કિમી લાંબા રેલવે ટ્રેક પર ટ્રેનોની ગતિ અને લોકેશનનું રિયલ ટાઈમ મોનિટરિંગ શક્ય બનશે.

આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે કંટ્રોલ રૂમ તૈયાર થતા જ રેલવેના તમામ મહત્વના વિભાગોના અધિકારીઓ અને સ્ટાફ એક જ સ્થળે બેસીને સંકલન કરી શકશે. તેનાથી કટોકટીના સમયે અથવા ટ્રેનોના વિલંબના કિસ્સામાં ઝડપથી નિર્ણય લઈ શકાશે. આ કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રહેશે, જે મુસાફરોની સુરક્ષા અને ટ્રેનોના સમયપાલનમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. તંત્રના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટની કામગીરી 1 જૂન 2026 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

(10:44 PM IST)