તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd October 2026
અમદાવાદ રેલવે મંડળે સપ્ટેમ્બરમાં રૂ. ૮૫૨ કરોડની રેકોર્ડબ્રેક આવક મેળવી, ગંદકી કરનારાઓ પાસે પણ કરોડો દંડ વસૂલ્યો
તહેવારો દરમિયાન વિશેષ ટ્રેનો દ્વારા ૩૬,૦૦૦ યાત્રીઓને સુવિધા સાથે ટિકિટ ચેકિંગ અને સ્વચ્છતા અભિયાન થકી રેલવેના ખાતામાં મોટો દંડ જમા થયો.

અમદાવાદ : પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે સપ્ટેમ્બર ૨૦૨૬ના એક જ મહિના દરમિયાન કમર્શિયલ, યાત્રી સેવાઓ, માલભાડું અને પાર્સલ આવકમાંથી આશરે રૂ. ૮૫૨ કરોડની ઐતિહાસિક આવક મેળવીને નવો રેકોર્ડ સર્જ્યો છે. અમદાવાદ મંડળના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, તહેવારો અને મેળાની સીઝનમાં મુસાફરોના ભારે ધસારાને પહોંચી વળવા યોગ્ય આયોજન અને સઘન ચેકિંગ અભિયાન ચલાવવામાં આવતા મંડળના ઇતિહાસમાં અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ માસિક યાત્રી આવક નોંધાઈ છે.
કુલ રૂ. ૮૫૨ કરોડની કમાણીમાંથી સૌથી વધુ રૂ. ૬૩૬ કરોડની આવક માલભાડા (ફ્રેટ) દ્વારા પ્રાપ્ત થઈ છે, જ્યારે યાત્રી ભાડામાંથી રૂ. ૨૦૮.૬૦ કરોડ અને પાર્સલ સેવાઓમાંથી રૂ. ૭.૪૦ કરોડની આવક થઈ છે. ખાસ કરીને યાત્રી આવકમાં ગયા વર્ષના સમાન ગાળાની તુલનાએ ૩૪.૫ ટકાનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
ભાદરવી પૂનમ મેળો અને તહેવારોની ભીડને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર દ્વારા અસારવા-ખેડબ્રહ્મા મેળા સ્પેશિયલ ઉપરાંત અમદાવાદ-દરભંગા અને અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે કુલ ૨૫ વિશેષ ટ્રેન ફેરા ચલાવવામાં આવ્યા હતા. આ વિશેષ ટ્રેનોના માધ્યમથી આશરે ૩૬,૦૦૦ મુસાફરોએ આરામદાયક મુસાફરી કરી હતી, જેનાથી રેલવેને રૂ. ૩.૦૨ કરોડની વધારાની આવક થઈ હતી.
આવક વધારવાની સાથે સાથે રેલવે પરિસરમાં નિયમોનું પાલન કરાવવા માટે સપ્ટેમ્બર મહિનામાં વ્યાપક ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. ટિકિટ ચેકિંગ અભિયાન અંતર્ગત ફોર્ટ્રેસ, એમ્બુશ અને વિશેષ ચેકિંગ દરમિયાન વિના ટિકિટે મુસાફરી કરતા હજારો મુસાફરો પાસેથી કુલ રૂ. ૨૪.૬૦ લાખથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે એન્ટી-લિટરિંગ ડ્રાઈવ હેઠળ ગંદકી કરનારા ૧૬૦ કેસ નોંધી રૂ. ૧.૨૭ લાખનો દંડ વસૂલાયો હતો. આ ઉપરાંત જાહેર સ્થળે ધૂમ્રપાન કરનારાઓ સામે ૧૬ એન્ટી-સ્મોકિંગ કેસ કરીને રૂ. ૩૨,૦૦૦ નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
અમદાવાદ રેલવે મંડળ દ્વારા મુસાફરોની સુવિધા વધારવા અને અનધિકૃત મુસાફરી અટકાવવા માટે આગામી દિવસોમાં પણ આવા સઘન ચેકિંગ અને સ્વચ્છતા અભિયાનો ચાલુ રાખવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.
(9:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
