<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક અને જોઈન્ટ સીપી શરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ ડીસીપી ક્રાઈમ અજિત રાજિયાણની ટીમે ૨૦થી વધુ યુવતીઓને ફસાવનાર નકલી પીએસઆઈ હિમાંશુ ઉર્ફે રોકી પંચાલને દબોચ્યો

મેટ્રિમોનિયલ એપ્સ પર એઆઈ જનરેટેડ પોલીસ યુનિફોર્મવાળો ફોટો મૂકી કૌભાંડ આચરનાર શાતિર ઠગ પાસેથી રોકડા ૪૦ હજાર, નકલી આઈકાર્ડ અને કસ્ટમ્સ-પોલીસ લોગો જપ્ત કરતી ક્રાઈમ બ્રાન્ચની ટીમ

 રાજકોટ:અમદાવાદ શહેર પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક અને જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલના સીધા માર્ગદર્શન હેઠળ ડીસીપી ક્રાઈમ અજિત રાજિયાણ અને તેમની સ્ટાફની ટીમે એક અતિ મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. શહેર ક્રાઈમ બ્રાન્ચે ડેટિંગ અને મેટ્રિમોનિયલ એપ્લિકેશનો પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીનો દુરુપયોગ કરીને યુવતીઓ સાથે આર્થિક તથા શારીરિક છેતરપિંડી આચરતા એક હાઈટેક નકલી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI)ને ઝડપી પાડ્યો છે. પકડાયેલો આરોપી સોશિયલ મીડિયા પર ગુજરાત પોલીસના ક્રાઈમ બ્રાન્ચ સાયબર સિક્યોરીટી વિભાગના પીએસઆઈ તરીકેની ખોટી ઓળખ આપીને નિર્દોષ અને છૂટાછેડા લીધેલા બહેનો-mહિલાઓને બ્લેકમેલ કરી શારીરિક અને આર્થિક શોષણ કરતો હતો.
ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પકડાયેલા આરોપીનું સાચું નામ હિમાંશુ ઉર્ફે રોકી યોગેશભાઇ ચમનલાલ પંચાલ (ઉંમર વર્ષ ૨૭) છે. તે મૂળ રાજસ્થાનના ઉદેપુર શહેરના ધાઉજી કી બાવડી, નાકોડા નગર પાસે આવેલા રકમપુરાનો વતની છે, અને હાલમાં તે અમદાવાદ શહેરના સુભાષબ્રિજ નજીક કેશવનગર ખાતે આવેલી જનકપુર સોસાયટીના મકાન નંબર જે/૧૯માં રહેતો હતો. પોલીસે આરોપીની અટકાયત કરીને તેની પાસેથી એક ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન, રોકડા રૂપિયા ૪૦,૦૦૦/-, "GOVERNMENT OF INDIA, CRIME BRANCH CYBER SECURITY" લખેલું અને પોલીસ યુનિફોર્મના ફોટાવાળું નકલી આઈકાર્ડ કબજે કર્યું છે. આ ઉપરાંત તેની પાસેથી ગુજરાત પોલીસના લોગો, લાલ કલરનો પોલીસ બેલ્ટ, ગુજરાત પોલીસના બેઝ અને અશોકસ્તંભના સિમ્બોલ વાળા સ્ટીકરો પણ જપ્ત કરવામાં આવ્યા છે.
આરોપી હિમાંશુ ઉર્ફે રોકી પંચાલ Shadi.com, Jeevansathi, Bumble, Hinge, Pure અને ClarityTalk Fover જેવી જાણીતી ઓનલાઈન ડેટિંગ તથા મેટ્રિમોનિયલ એપ્લિકેશનો મારફતે મહિલાઓનો સંપર્ક કરતો હતો. પોતે પોલીસ અધિકારી છે તેવો દ્રઢ વિશ્વાસ કેળવવા માટે તે Canva એપ્લિકેશન, સ્ટેમ્પ મેકર અને સિગ્નેચર મેકરનો ઉપયોગ કરીને ડુપ્લીકેટ આઈકાર્ડ બનાવતો હતો. તેમજ સરકારી સ્ટોરમાંથી ખરીદેલા ગુજરાત પોલીસના લોગો, બેલ્ટ, બેઝ, ટોપી અને મોનોગ્રામ જેવી ચીજવસ્તુઓ સામાનમાં રાખીને મળવા આવતી યુવતીઓને બતાવી વિશ્વાસમાં લેતો હતો. છેલ્લા છ મહિનામાં તેણે આશરે ૨૦થી વધુ યુવતીઓ સાથે પ્રેમસંબંધ બાંધી, લગ્ન કરવાની ખોટી લાલચ આપીને લાખો રૂપિયા પડાવ્યા હતા.
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, આરોપીએ એક વર્ષ પહેલાં મુંબઈના વિરાત ખાતે રહેતી યુવતી સાથે છેતરપિંડી કરી હતી, જે અંગે નાલા સોપારા પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને ખોટી ઓળખનો ગુનો નોંધાયો હતો અને તે જેલમાંથી જામીન પર છૂટ્યો હતો. ત્યાંથી છૂટ્યા બાદ તેણે નવા વાડજની યુવતી પાસેથી જામીન ખર્ચના બહાને રૂ. ૫૦,૦૦૦ પડાવી મુંબઈ-ગોવા જલસા કર્યા હતા. ત્યારબાદ નરોડાની યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની પાસેથી રૂ. ૧,૮૦,૦૦૦ મેળવી તેના જ બેંક એકાઉન્ટ અને સિમકાર્ડનો દુરુપયોગ કર્યો હતો, જે અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આ સિવાય નવરંગપુરાની યુવતી પાસેથી મકાન બનાવવાના બહાને રૂ. ૭૯,૭૦૦ પડાવ્યા હતા, પરંતુ ફરીથી મોબાઈલ ખરીદવા પૈસા માંગતા યુવતીને શંકા ગઈ હતી અને તપાસ કરતા ભાંડો ફૂટતા નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આરોપીએ ઘાટલોડિયાની યુવતીને પણ હોટલ હિલ્લોક ખાતે મળવા બોલાવી રૂપીયા માંગ્યા હતા પરંતુ યુવતીને શંકા જતા તે બચી ગઈ હતી. આ સિવાય ખેડાના ડભાણ ખાતે રહેતા એક બહેન અને તેમની માતાને વિશ્વાસમાં લઈ તે ત્રણ મહિના સુધી તેમના ઘરે રોકાયો હતો. હાલ ક્રાઈમ બ્રાન્ચે આરોપી વિરુદ્ધ બી.એન.એસ. કલમ ૨૦૪, ૨૦૫, ૩૧૯(૨) હેઠળ નવરંગપુરા અને નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓ શોધી કાઢી આગળની રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે.

(3:36 PM IST)