તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
અમદાવાદ મનપાની અનોખી સ્કીમ: ફ્રી પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાવનારને પ્રોપર્ટી ટેક્સમાં મોટી રાહત અપાશે
આ સુવિધા આપનારા એકમોને તેમણે ફાળવેલી પાર્કિંગની જગ્યાના કુલ ક્ષેત્રફળ જેટલી રકમ પૂરતી વેરામાફીનો સીધો લાભ મળશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત કરવા તથા રસ્તાઓ પર વધતા અનધિકૃત પાર્કિંગના દબાણને ઘટાડવા માટે એક મહત્વપૂર્ણ અને આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલી “Comprehensive Policy 2026” અંતર્ગત હવે જે પણ વ્યાવસાયિક એકમો નાગરિકો માટે પોતાના સંકુલમાં નિ:શુલ્ક પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાવશે, તેમને પ્રોપર્ટી ટેક્સમાં મોટી રાહત આપવામાં આવશે.
AMCના આ આદેશ મુજબ, આ સુવિધા આપનારા એકમોને તેમણે ફાળવેલી પાર્કિંગની જગ્યાના કુલ ક્ષેત્રફળ જેટલી રકમ પૂરતી વેરામાફીનો સીધો લાભ મળશે. આ યોજનાનો મુખ્ય હેતુ ખાનગી જગ્યાઓનો જાહેર જનતા માટે ઉપયોગ કરાવીને રસ્તાઓ પર પાર્ક થતા વાહનોની સંખ્યા ઘટાડવાનો અને શહેરના ટ્રાફિકને વધુ મુક્ત બનાવવાનો છે.
આ યોજનાનો વ્યાપ ઘણો મોટો રાખવામાં આવ્યો છે, જેમાં સમગ્ર અમદાવાદ શહેર સહિત નેશનલ હાઈ-વે, રીંગ રોડ અને સ્ટેટ હાઈ-વે પર આવેલા શોપિંગ મોલ, થિયેટર, મલ્ટી-પ્લેક્સ, મીની-પ્લેક્સ, હોટલ, રેસ્ટોરન્ટ, હોસ્પિટલ, કમ્યુનિટી હોલ, party plot અને જિમ્નેશિયમ જેવા તમામ બિન-રહેણાંક તેમજ વ્યાવસાયિક એકમોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ પણ આ યોજનાનો લાભ લઈ શકશે.
વેરામાફીનો આ ફાયદો મેળવવા માટે સંબંધિત એકમોએ ગ્રાહકો કે વાહનચાલકો પાસેથી કોઈપણ પ્રકારનો પાર્કિંગ ચાર્જ વસૂલવાનો રહેશે નહીં અને મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ “Parking Availability and Sharing Consent Form” ભરીને નાગરિકોના ઉપયોગ માટે પોતાની લેખિત સંમતિ આપવી પડશે.
ટેક્સ મુક્તિ માટે જગ્યાની ગણતરી અને AmadaPark એપનો ઉપયોગ તકનીકી પ્રક્રિયા અને નિયમોની વાત કરીએ તો, સંમતિ ફોર્મમાં પાર્કિંગની જગ્યાનું કુલ ક્ષેત્રફળ Equivalent Car Space (ECS)ના માપદંડ મુજબ દર્શાવવાનું રહેશે, જેમાં 1 ECS = 2.5*5.5 = 13.75 ચોરસ મીટર ગણાશે. પાર્કિંગ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે જવાબદાર વ્યક્તિની નિમણૂંક કરવાની રહેશે અને આ વ્યક્તિએ AMCની અધિકૃત AmadaPark Applicationમાં પાર્ક થયેલ વાહનોની એન્ટ્રી કરવાની રહેશે, જેથી વાહનચાલકોને રિયલ ટાઇમ પાર્કિંગ ઉપલબ્ધતાની માહિતી મળી શકે. તે સાથે દિશાસૂચક સાઈનેજ તથા પાર્કિંગ બે (Parking Bay) પણ ફરજિયાત મૂકવાના રહેશે.
બીજી તરફ, કોર્પોરેશને કડક વલણ અપનાવતા સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યાવસાયિક એકમ ફ્રી પાર્કિંગની જાહેરાત કર્યા છતાં લોકો પાસેથી ફી વસૂલશે, સંમતિ ફોર્મ નહીં ભરે અથવા AmadaPark એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં બેદરકારી દાખવશે, તો તેમને આ ટેક્સ રાહતનો કોઈ લાભ મળશે નહીં. આ ઉપરાંત, જે વ્યવસાયિક એકમો આ કલ્યાણકારી યોજનામાં જોડાવા માંગતા નથી અને ટેક્સની માફી મેળવવા ઈચ્છતા નથી, તેમણે પોતાની પાર્કિંગ જગ્યાના ક્ષેત્રફળ પર નિયત દરે નિયમિત પ્રોપર્ટી ટેક્સની આકારણી થાય તે માટે આગામી 60 દિવસની અંદર AMCની સત્તાવાર વેબસાઈટ પર જઈને Self-Assessment Module મારફતે ફરજિયાત ઓનલાઈન અરજી સબમિટ કરવાની રહેશે.
(11:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
