<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st November 2026

અમદાવાદ મનપાની મોટી કાર્યવાહી: 20 ખાણી પીણીના એકમો સીલ:રુ. 2.67 લાખનો દંડ વસૂલ્યો

એએમસીના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે વેસ્ટ ઝોનમાં ગંદકી અને પ્લાસ્ટિક વાપરનાર નવરંગપુરાની ઓનેસ્ટ રેસ્ટોરન્ટ સહિત 20 એકમોને તાળા માર્યા: 23 કિલો પ્લાસ્ટિક જપ્ત

અમદાવાદ: મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરમાં જાહેર આરોગ્ય અને સ્વચ્છતાના નિયમોનો સરેઆમ ભંગ કરનારા કોમર્શિયલ એકમો સામે કડક અને દંડનીય પગલાં લીધા છે. વેસ્ટ ઝોનમાં ચલાવવામાં આવેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત નવરંગપુરાના કોમર્સ છ રસ્તા પાસે આવેલી પ્રખ્યાત ઓનેસ્ટ રેસ્ટોરન્ટ સહિત 20 એકમોને સીલ કરીને આકરી કાર્યવાહી કરવામાં આવી છે.

 

નિયમોનો ભંગ કરનારા 153 એકમોને કારણદર્શક નોટિસ પાઠવીને કુલ 23.1 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો કબજે કર્યો હતો. તેમજ મનપા દ્વારા કુલ 2.67 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ દંડની રકમ જેમાં રુ.1.24 લાખ પ્લાસ્ટિક પ્રતિબંધના ભંગ બદલ અને રુ.1,43 લાખ જાહેરમાં ગંદકી ફેલાવવા માટે વસૂલવામાં આવ્યા હતા.

 

ઓનેસ્ટ રેસ્ટોરન્ટ ઉપરાંત વેસ્ટ ઝોનના વિવિધ વિસ્તારો જેવા કે નવરંગપુરા, નારણપુરા, વાસણા, રાણિપ, સાબરમતી અને પાલડીમાં આવેલા ઓટોમોબાઇલ બિઝનેસ, પ્રિન્ટિંગ-સ્ક્રેપ શોપ્સ, હોટેલ્સ, ચાની કિટલીઓ અને પાન પાર્લરો સહિત 19 અન્ય એકમોને સીલ કરવામાં આવ્યા છે.

 

સીલ કરાયેલા મુખ્ય એકમોમાં ડ્રાઇવ-ઇન રોડ પર આવેલી હોટેલ સ્વેલ, મીઠાખળી છ રસ્તા નજીક ન્યૂ લકી મોટર્સ તેમજ નવરંગપુરામાં તેજ કોમ્પ્લેક્સ અને નાગરી હોસ્પિટલ નજીકના અનેક કોમર્શિયલ શોપ્સનો સમાવેશ થાય છે.

(11:59 AM IST)