<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

અમદાવાદની યુવતીને પ્રેમ સમસ્યા ઉકેલવાના નામે જાળમાં ફસાવી રૂ.42 લાખ રૂપિયા પડાવ્યા:પોલીસે બિકાનેરથી આરોપીને ઝડપ્યો.

પીડિતાએ ઇન્સ્ટાગ્રામ પર ‘જ્યોતિષી પૂજા કિન્નર મા’ નામના આઈડી પર સંપર્ક કર્યો:અનુષ્ઠાનના નામે યુવતી પાસે તસવીરો મંગાવી:તસવીરોને એડિટ કરીને આપત્તિજનક બનાવી વાયરલ કરવાની ધમકી આપી :વીડિયો કોલ દરમિયાન કપડાં ઉતારવા મજબૂર કરી અને તેનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું.

અમદાવાદમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને કોઈપણનું કાળજું ધ્રૂજી ઉઠે. પ્રેમની સમસ્યાના સમાધાન માટે સોશિયલ મીડિયા પર ‘જ્યોતિષી’ નો સંપર્ક કરવો એક યુવતીને એટલો ભારે પડ્યો કે તેણે માત્ર લાખો રૂપિયા જ નહીં, પરંતુ પોતાની ગરિમા પર પણ આંચ સહન કરવી પડી.

પીડિતાએ ઇન્સ્ટાગ્રામ પર ‘જ્યોતિષી પૂજા કિન્નર મા’ નામના આઈડી પર સંપર્ક કર્યો હતો. આ પ્રોફાઈલ પર એવો દાવો કરવામાં આવ્યો હતો કે પ્રેમ, લગ્ન અને અંગત સમસ્યાઓનું સમાધાન અનુષ્ઠાન દ્વારા કરવામાં આવશે. યુવતીએ પોતાની પ્રેમ સમસ્યાના ઉકેલ માટે વાતચીત શરૂ કરી, ત્યારે તેને જરાય અંદાજ નહોતો કે તે એક રીઢા ગુનેગારના સંપર્કમાં છે.

આરોપીએ પહેલા વિશ્વાસ કેળવ્યો અને પછી અનુષ્ઠાનના નામે યુવતી પાસે તેની તસવીરો મંગાવી. આ તસવીરોને એડિટ કરીને આપત્તિજનક બનાવી વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલિંગ શરૂ કર્યું. હદ તો ત્યારે થઈ જ્યારે આરોપીએ યુવતીને વીડિયો કોલ દરમિયાન કપડાં ઉતારવા મજબૂર કરી અને તેનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું. આ વીડિયોના આધારે યુવતીને ડરાવીને અત્યાર સુધીમાં અંદાજે ₹42 લાખ ની મસમોટી રકમ પડાવી હોવાનું સામે આવ્યું છે.

 

સતત વધતી પૈસાની માંગ અને માનસિક ત્રાસથી કંટાળીને અંતે યુવતીએ હિંમત દાખવી સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે રાજસ્થાનના બિકાનેરથી રજનીશ ભાર્ગવ નામના આરોપીની ધરપકડ કરી છે. જ્યારે તેના બે સાથીદારો વિકાસ અને રવિ ભાર્ગવ હાલ ફરાર છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ટોળકી છેલ્લા અઢી વર્ષથી આ રીતે છેતરપિંડી કરતી હતી, જેમાં આરોપીઓ દરરોજ સેંકડો લોકોને કોલ કરતા હતા અને તેમાંથી અંદાજે 60 થી 65 લોકો તેમની જાળમાં ફસાતા હતા. તેઓ કિન્નર મા કે માતાજીના નામે નકલી પ્રોફાઈલ બનાવી લોકોની શ્રદ્ધા સાથે ખેલતા હતા અને શરૂઆતમાં 3000 થી 15,000 રૂપિયા ચાર્જ લીધા બાદ બ્લેકમેલિંગનું મોટું નેટવર્ક ચલાવતા હતા.

સાયબર ક્રાઈમ પોલીસે અપીલ કરી છે કે સામાજિક બદનામીના ડરથી ચૂપ રહેવાને બદલે ફરિયાદ નોંધાવો. સોશિયલ મીડિયા પર કોઈપણ અજાણી વ્યક્તિ પર ભરોસો કરીને પોતાની ખાનગી તસવીરો કે માહિતી ક્યારેય શેર ન કરવી જોઈએ.

(9:37 PM IST)